કોહલીએ 43મી સદી ફટકારી; ત્રીજી વન-ડેમાં વિન્ડીઝને હરાવી ભારતે સીરિઝ જીતી

પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ) – ભારતે ગઈ કાલે અહીં રમાઈ ગયેલી ત્રીજી અને સીરિઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને DLS મેથડથી 6-વિકેટથી હરાવીને સીરિઝ 2-0થી જીતી લીધી હતી.

ભારતના ગઈ કાલના વિજયનો મુખ્ય શ્રેય તેના કેપ્ટન વિરાટ કોહલીની અણનમ સદીને જાય છે જે 99 બોલમાં 114 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કારકિર્દીમાં કોહલીની આ 43મી સદી થઈ છે. એણે સીરિઝમાં સતત બીજી સદી ફટકારી છે. બીજી વન-ડેમાં એણે 120 રન કર્યા હતા.

ગઈ કાલે વરસાદના વિઘ્નવાળી બનેલી મેચમાં, વેસ્ટ ઈન્ડિઝે 35 ઓવરમાં 7 વિકેટે 247 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 32.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 256 રન કરીને મેચ જીતી લીધી હતી.

ગઈ કાલની મેચમાં, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. વરસાદનું વિઘ્ન નડતાં મેચને ટીમ દીઠ 35 ઓવરની કરી દેવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે 35 ઓવરમાં 7 વિકેટે 247 રન કર્યા હતા. જેમાં ઓપનર ક્રિસ ગેલના 72 રનનું મુખ્ય યોગદાન હતું. એણે 41 બોલમાં પાંચ છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 72 રન કર્યા હતા. એણે અને ઈવીન લૂઈસ (43)એ પહેલી વિકેટ માટે 10.5 ઓવરમાં 115 રનની ભાગીદારી કરી હતી. લૂઈસે 29 બોલના દાવમાં 3 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

ગેલ-લૂઈસને બાદ કરતાં બીજા કોઈ કેરેબિયન બેટ્સમેને મોટો સ્કોર નોંધાવ્યો નહોતો.

ગેલની કારકિર્દીની આ આખરી વન-ડે મેચ હતી. એ આઉટ થયા બાદ તરત જ તમામ ભારતીય ખેલાડીઓ એની પાસે ગયા હતા અને હાથ મિલાવીને એને અભિનંદન આપ્યા હતા. ગેલે પણ પેવિલિયનમાં પાછા ફરતી વખતે એની આગવી સ્ટાઈલમાં એની હેલ્મેટ એના બેટની અણી પર મૂકીને બેટ હવામાં ઊંચું કર્યું હતું. બાઉન્ડરી લાઈન નજીક પહોંચીને એણે એની હેલ્મેટને હવામાં ઉછાળી હતી અને કેચ કરી લીધી હતી.

ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર ભારતને 255 રનનો નવો ટાર્ગેટ અપાયો હતો, પણ કોહલીના જોરદાર ફોર્મને કારણે ભારત જીત હાંસલ કરી શક્યું હતું. એને અગાઉની બીજી મેચની માફક આ વખતે પણ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરનો સાથ મળ્યો હતો, જેણે 65 રન કર્યા હતા. કેદાર જાધવ 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

એ પહેલાં, રોહિત શર્માએ 10, શિખર ધવને 36 રન કર્યા હતા. વિકેટકીપર રિષભ પંત પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો હતો.

કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતે આ પહેલાં ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં પણ વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો.

હવે બંને ટીમ બે-ટેસ્ટ મેચોની સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ 22 ઓગસ્ટથી એન્ટીગાના નોર્થ સાઉન્ડમાં રમાશે અને બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી જમૈકાના કિંગ્સટનમાં રમાશે.