હાર્દિક, કૃણાલ મુંબઈમાં કરોડોની લેમ્બોર્ઘિની કારમાં ફરતાં જોવા મળ્યા

મુંબઈ – મૂળ વડોદરાનિવાસી ભારતીય ક્રિકેટર પંડ્યા બંધુઓ – કૃણાલ અને હાર્દિક અત્યંત મોંઘીદાટ, વૈભવશાળી એવી લેમ્બોર્ઘિની કારમાં શનિવારે મુંબઈમાં ફરતાં જોવા મળ્યા હતા.

બંને ભાઈઓ ઓરેન્જ રંગની લેમ્બોર્ઘિની કારમાં જોવા મળ્યા હતા. કૃણાલને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 સીરિઝમાં ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

હાર્દિક વૈભવશાળી જીવનશૈલી જીવવા માટે જાણીતો છે. એની લક્ઝરિયસ ચીજવસ્તુઓમાં લેમ્બોર્ઘિની સુપર કારનો ઉમેરો થયો છે. બંને ભાઈએ તાજેતરમાં જ આ કાર ખરીદી હોવાનું કહેવાય છે. તેઓ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. આ કરોડોની કિંમતની કારમાંથી ઉતરતાં બંને ભાઈની તસવીરો સોશિયલ મિડિયા પર શેર થઈ છે.

લેમ્બોર્ઘિની કારની કિંમત રૂ. 3 કરોડથી લઈને રૂ. 6.26 કરોડની છે. આ બ્રાન્ડની કારની મોડેલ્સમાં એવેન્ટેડોર (રૂ. 5.01 કરોડથી લઈને રૂ. 6.25 કરોડ), હુરાકેન (રૂ. 2.99 કરોડથી લઈને રૂ. 3.97 કરોડ), હુરાકેન ઈવો (રૂ. 3.73 કરોડ) છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં રાષ્ટ્રીય પસંદગીકારોએ હાર્દિકનો સમાવેશ કર્યો નથી. તેમણે હાર્દિકને આરામ આપ્યો છે. જોકે એ વર્લ્ડ કપ-2019 માટેની ભારતીય ટીમમાં હતો અને ટીમને સેમી ફાઈનલમાં પહોંચાડવામાં એણે યોગદાન આપ્યું હતું. એવી જ રીતે, આ વર્ષની આઈપીએલ સ્પર્ધામાં પણ મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વાર વિજેતાપદ અપાવવામાં પણ એણે ભૂમિકા ભજવી હતી.

હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટ્વેન્ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમનો સભ્ય હતો. એ સીરિઝ ભારતે 3-0થી જીતી હતી.

ભારતીય ટીમ હવે આવતા મહિને, સપ્ટેંબરમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે અને એ માટેની ટીમમાં હાર્દિકનો સમાવેશ કરવામાં આવે એવી ધારણા રખાય છે. દક્ષિણ આફ્રિકા સામે ભારત 3 ટેસ્ટ મે અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે. કૃણાલનો સમાવેશ ટ્વેન્ટી-20 શ્રેણી માટેની ટીમમાં કરાય એવી ધારણા છે.