રાજકોટ – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3-મેચોની સિરીઝની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ આવતી કાલે અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાવાની છે, પણ એની પર ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદ પડવાનો ખતરો ઝળૂંબી રહ્યો છે.
દિલ્હીમાં ગઈ 3 નવેંબરે રમાઈ ગયેલી પહેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો એટલે શ્રેણીને જીવંત રાખવા માટે એણે રાજકોટની મેચ જીતવી જ પડે.
રાજકોટના આ મેદાન પર આ ત્રીજી વાર T20I મેચ રમાશે. પરંતુ વાઝોડાને કારણે વરસાદને લીધે મેચ એકેય બોલ નખાયા વિના ધોવાઈ જવાનું જોખમ છે.
આ મેદાન પર અત્યાર સુધીમાં મર્યાદિત ઓવરોવાળી કુલ 4 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે. આમાં બે વન-ડે ઈન્ટરનેશનલ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચનો સમાવેશ થાય છે.
2013ની વન-ડે મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું
તે મેચ 2013ની 11 જાન્યુઆરીએ રમાઈ હતી. ભારત ત્યારે વિશ્વ ચેમ્પિયન હતું, પણ રાજકોટની મેચમાં ઈંગ્લેન્ડે તેને આંચકો આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન એલેસ્ટર કૂકે 75 અને ઈયાન બેલે 85 રન કરતાં એમની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 325 રન કર્યા હતા. તેના જવાબમાં, ભારતે યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર અને સુરેશ રૈનાની હાફ સેન્ચુરી કરી હતી, પણ કોઈ મોટું યોગદાન મળ્યું નહોતું. જેમ્સ ટ્રેડવેલે 4 વિકેટ લીધી હતી અને ઈંગ્લેન્ડ 9-રનથી મેચ જીત્યું હતું. ટ્રેડવેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
2013માં ઓસ્ટ્રેલિયા સામેની T20I ભારત જીત્યું
2013ની 10 ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી, જેમાં ભારત 6-વિકેટથી જીત્યું હતું. આ મેદાન પર રમાયેલી તે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આરોન ફિન્ચે 89 રન કર્યા હતા જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 201 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો, પણ યુવરાજ સિંહ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોરદાર બેટિંગ કરીને પાંચમી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી અને ભારત 6-વિકેટથી તે મેચ જીતી ગયું હતું. યુવરાજ 77 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને એ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
2015માં વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 18-રનથી હરાવ્યું
2015ની 18 ઓક્ટોબરે ભારતનો ફરી પરાજય થયો હતો. આ વખતે દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. ક્વિન્ટન ડી કોકે સેન્ચુરી ફટકારી હતી અને ફાફ ડુ પ્લેસીએ હાફ સેન્ચુરી કરી હતી. એની મદદથી દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 270 રન કર્યા હતા. એના જવાબમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ હાફ-સેન્ચુરીઓ કરી હતી, પણ ભારત ટાર્ગેટને ચેઝ કરી શક્યું નહોતું અને 18-રનથી મેચ હારી ગયું હતું.
2017માં T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
2017ની 4 નવેંબરે રમાયેલી મેદાન પરની બીજી ટ્વેન્ટ4-20 મેચમાં, કોલીન મુનરોના અણનમ 109 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. ભારતે કેપ્ટન વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી ફટકારી હતી અને ધોનીએ પણ 49 રન કર્યા હતા, પણ બીજા બેટ્સમેનોનો ટેકો ન મળતાં ભારત 40 રનથી મેચ હારી ગયું હતું.
આમ, રાજકોટના આ મેદાન પર ભારત એક ટ્વેન્ટી-20 મેચ જીત્યું છે અને એક હાર્યું છે, પણ વન-ડે મેચ તો બંને હાર્યું છે.
રાજકોટ મેદાન પર ટોસ જીતનારી ટીમ ટ્વેન્ટી-20 જીતે છે
આ મેદાનની પિચનો મિજાજ જાણવા જેવો છે. આ પિચ પર જે ટીમ ટોસ જીતી છે એ મેચ પણ જીતી છે.
રાજકોટના મેદાનની બીજી વિશેષતા એ છે કે અત્યાર સુધીમાં બંને ટ્વેન્ટી-20 મેચમાં ટોસ જીતનારી ટીમ મેચ જીતી છે. 2013ની મેચમાં ભારત ટોસ જીત્યું હતું અને મેચ પણ જીત્યું હતું, પણ 2017માં, ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટોસ જીત્યો હતો અને એની ટીમ મેચ પણ જીતી ગઈ હતી.
બાંગ્લાદેશની ટીમ હાલ જોરદાર ફોર્મમાં છે. પણ રાજકોટના મેદાનની પિચનો મિજાજ અત્યાર સુધી નિશ્ચિત પરિણામ આપતી આવી છે. આ પિચ સામાન્ય રીતે બેટ્સમેનોને યારી આપતી આવી છે. બેટ્સમેનોને અહીં રમવામાં આસાની રહે છે. એટલે ભારતીય ટીમ ઈલેવનમાં એક વધુ બેટ્સમેનને સામેલ કરવાનું પસંદ કરશે. ધારો કે સંજૂ સેમસન જેવા તોફાની ફટકાબાજને આ મેચમાં રમાડાય તો એ બાંગ્લાદેશી બોલરોની ધુલાઈ કરી શકે છે. અત્યાર સુધીમાં રમાઈ ગયેલી બંને ટ્વેન્ટી-20 મેચમાં 200થી વધારે સ્કોર થયો છે.