રોહિત શર્માએ બાંગ્લાદેશીઓને પરચો બતાવ્યો; રાજકોટ T20I ભારત આસાનીથી જીત્યું

રાજકોટ – ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીંના SCA સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી શ્રેણીની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં બાંગ્લાદેશને 8-વિકેટથી પરાજય આપીને 3-મેચની શ્રેણીને 1-1થી સમાન કરી છે.

ત્રીજી અને આખરી મેચ 10 નવેંબરે નાગપુરમાં રમાશે. ભારત નવી દિલ્હીમાં પહેલી મેચ 7-વિકેટથી હાર્યું હતું.

ટોસ હારી ગયા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન કર્યા હતા. એના જવાબમાં ભારતે 15.4 ઓવરમાં 2 વિકેટના ભોગે 154 રન કરીને મેચ જીતી લીધી હતી.

પોતાની કારકિર્દીની 100મી T20I મેચ રમનાર કેપ્ટન રોહિત શર્મા ભારતના વિજયનો શિલ્પી રહ્યો. એણે તોફાની બેટિંગ કરીને 43 બોલમાં 85 રન ઝૂડી કાઢ્યા હતા જેમાં 6 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. આમાં સિક્સરની એક હેટ-ટ્રિકનો સમાવેશ થાય છે, જે રોહિતે ઓફ્ફ સ્પિનર મોઝદીક હુસેનની બોલિંગમાં ફટકારી હતી. હુસેને એક જ ઓવર ફેંકી હતી જેમાં એણે કુલ 21 રન આપ્યા હતા. રોહિતે પહેલી સિક્સર ડીપ મિડ-વિકેટ પર, બીજી ફાઈન લેગ સ્થાને અને ત્રીજી ફરી ડીપ મિડ-વિકેટ સ્થાને મારી હતી.

ભારતે ગુમાવેલી બે વિકેટ હતી – શિખર ધવન (31) અને રોહિત શર્મા. લોકેશ રાહુલ 8 રન અને શ્રેયસ ઐયર 24 રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

એ પહેલાં, ભારતના બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનોને 153 રનના સ્કોર સુધી જ સીમિત રાખ્યા હતા. ઓપનર મોહમ્મદ નઈમ 36 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. દીપર ચાહર, ખલીલ એહમદ, વોશિંગ્ટન સુંદરે 1-1 બેટ્સમેનને આઉટ કર્યો હતો.