16 વર્ષના પ્રયાસ રે બર્મનને તો લોટરી લાગી…

બંગાળના દુર્ગાપુરના વતની, પણ દિલ્હીમાં ઉછરેલા ૧૬ વર્ષના પ્રયાસ રે બર્મનના મોબાઈલ ફોન પર છેલ્લા બે દિવસથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. આનું કારણ એ છે કે એને આવતા વર્ષે રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સીઝન માટે વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે સૌથી ઊંચી – રૂ. દોઢ કરોડની બોલી લગાવીને પસંદ કર્યો છે – ખરીદ્યો છે. આ સાથે જ પ્રયાસ રે બર્મન આઈપીએલના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરનો કરોડપતિ ખેલાડી બન્યો છે.

રે બર્મન કહે છે, એણે ધાર્યું નહોતું કે એને કોઈ ટીમ પસંદ કરશે. ‘દેશના બીજા કોઈ પણ યુવા ક્રિકેટરની જેમ, મેં પણ વિરાટને મારા આદર્શ ખેલાડી માન્યા છે. એમની સાથે ફોટો ક્લિક કરવાનું મેં કાયમ સપનું સેવ્યું હતું, પરંતુ એવો મોકો મને મળ્યો નહોતો, પરંતુ નસીબ જુઓ કે હવે મને મારા આ હિરોની સાથે ડ્રેસિંગ રૂમમાં રહેવા મળશે, હું એમની ટીમનો એક હિસ્સો બની ગયો છું. મને તો આ માનવામાં જ નથી આવતું. આઈપીએલની આ વખતની મોસમમાં મને રમવા મળશે એવી મેં આશા રાખી નહોતી,’ એમ રે બર્મન કહે છે.

રે બર્મન હજી સ્કૂલમાં ભણે છે. ગઈ 25 ઓક્ટોબરે એણે એનો 16મો જન્મદિવસ ઉજવ્યો હતો. અને બે મહિના પછી, 18 ડિસેંબરે એને આનંદભર્યા સમાચાર મળ્યા કે આઈપીએલમાં રમવા માટે એને પસંદ કરવામાં આવ્યો છે.

સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી રે બર્મનને તો જાણે લોટરી લાગી છે. આઈપીએલ-12 અથવા આઈપીએલ-2019 માટે જયપુરમાં યોજાઈ ગયેલી હરાજીમાં રે બર્મનને વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમે દોઢ કરોડ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લીધો. એની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. અનેક ટીમોએ એને માટે બોલી લગાવી હતી, પણ બેંગલોર ટીમે એના માટે સૌથી ઊંચી બોલી લગાવીને પ્રાપ્ત કરી લીધો.

રે બર્મન જમણેરી બેટ્સમેન છે અને લેગસ્પિન બોલિંગ પણ કરે છે.

કહેવાય છે કે આ ભવિષ્યમાં ભારતનો સ્ટાર ગૂગલી બોલર બનશે. એ નીચલા ક્રમમાં સારી બેટિંગ કરી જાણે છે.

સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં એ બંગાળની ટીમ વતી રમે છે. હાલમાં જ રમાઈ ગયેલી વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં એણે 4.45ના ઈકોનોમી રેટ સાથે 9 મેચોમાં 11 વિકેટ ઝડપી હતી. પોતાની ટીમમાં એ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. બસ, એના આ જ દેખાવને કારણે દેશભરમાં ક્રિકેટ મહારથીઓમાં એ ચર્ચાનો વિષય બન્યો છે.

વિરાટ કોહલીની ફ્રેન્ચાઈઝ ટીમે રે બર્મનની બોલિંગ ક્ષમતા પર વિશ્વાસ મૂક્યો અને સૌથી ઊંચી બોલી લગાવીને એને ખરીદી લીધો.

રે બર્મન હજી સુધી એકેય રણજી ટ્રોફી મેચ રમ્યો નથી અને વિજય હઝારે ટ્રોફી પહેલી જ વાર રમ્યો હતો. જોકે હઝારે ટ્રોફીમાં એના દેખાવને પગલે એને બંગાળની રણજી ટ્રોફી ટીમમાં પસંદ કરી લેવામાં આવ્યો છે. આમ, ટૂંક સમયમાં જ એ રણજી ટ્રોફીમાં પણ રમતો જોવા મળશે.

પ્રયાસ 6 ફૂટ અને 1 ઈંચની હાઈટ ધરાવે છે. એને બોલને હવામાં ફાસ્ટ ઘૂમાવવાનું બહુ ગમે છે. ભારતના મહાન લેગસ્પિનર અનિલ કુંબલે પણ આવી ખૂબી ધરાવતા હતા.

રે બર્મન ઓસ્ટ્રેલિયાના દંતકથા સમાન લેગસ્પિનર શેન વોર્નનો ચાહક છે.

પોતાના સારા દેખાવ તથા આઈપીએલ ટીમમાં પોતાની થયેલી પસંદગી માટેનો શ્રેય પ્રયાસ એના પિતા ડો. કૌશિક રે બર્મનને આપે છે, જેઓ નવી દિલ્હીમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે સેવા બજાવે છે. પ્રયાસે કહ્યું, મારા પિતાએ મને હંમેશા ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરી છે. હું ભણું એવો એમણે ક્યારેય આગ્રહ રાખ્યો નથી, તેમજ મને ક્રિકેટમાં આગળ વધવા પૂરી આઝાદી આપી હતી. મારી મોટી બહેન આઈટી પ્રોફેશનલ છે, પણ મેં ક્રિકેટ ફિલ્ડને પસંદ કર્યું છે. મારી બહેન બેંગલુરુમાં જ નોકરી કરે છે અને મારે એ જ શહેરમાં શિફ્ટ થવાનું આવશે. હું તો ખૂૂબ જ રોમાંચિત છું. મારે ઘણું શીખવાનું રહેશે અને મારી રમતને સતત સુધારતા રહેવું પડશે.

આઈપીએલ-2019 સ્પર્ધા આવતા વર્ષે 29 માર્ચથી 19 મે વચ્ચે રમાશે, પરંતુ મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરિણામે સ્પર્ધા ભારતમાં નહીં યોજાય. તે સાઉથ આફ્રિકા અથવા યુનાઈટેડ આરબ અમિરાતમાં યોજાય એવી ધારણા છે.

સ્પર્ધાની આઠ ટીમો છે – ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ.

દિલ્હી ડેરડેવિલ્સ ટીમે તેનું નામ આ વખતથી બદલ્યું છે અને તે હવે બની છે દિલ્હી કેપિટલ્સ.