કેપટાઉનમાં પહેલી ટેસ્ટઃ વરસાદ વિલન બન્યો; ત્રીજા દિવસની રમત સંપૂર્ણપણે ધોઈ નાખી

કેપટાઉન – ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં ન્યૂલેન્ડ્સ ખાતે રમાતી પહેલી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસની રમત વરસાદને કારણે શક્ય બની નહોતી. પહેલા બે સત્રની રમત એકેય બોલ નખાયા વિના ધોવાઈ ગઈ હતી અને ટી-બ્રેકનો સમય પૂરો થઈ ગયા બાદ પણ વરસાદ ચાલુ રહેતાં ત્રીજા સત્રમાં રમત શરૂ કરવાની શક્યતા ન જણાતાં અમ્પાયરોએ આજના દિવસની રમતને પડતી મૂકવાની જાહેરાત કરી હતી.

ટી-બ્રેક બાદ પણ પિચ પર કવર્સ ઢાંકેલા જ રાખવા પડ્યા હતા.

હવે રમત આવતીકાલે, ચોથા દિવસે રાબેતા મુજબના સમયે (ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યે) આગળ વધશે.

બીજા દિવસે રમત બંધ રહી હતી ત્યારે દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં બે વિકેટના ભોગે 65 રન કર્યા હતા.

ભારતનો પહેલો દાવ 209 રનમાં પૂરો થયો હતો. દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં 286 રન કર્યા હતા. આમ, ભારત 77 રન પાછળ રહ્યું હતું.

દક્ષિણ આફ્રિકા હાલ કુલ 142 રન સાથે આગળ છે અને એની 8 વિકેટ હજી અકબંધ છે.

હાશીમ અમલા 4 રન સાથે અને નાઈટવોચમેન તરીકે આવેલો કેગીસો રબાડા બે રન સાથે દાવમાં હતો. બે ઓપનર – એડન માર્કરામ (34) અને ડીન એલ્ગર (25)ની વિકેટ લેવામાં હાર્દિક પંડ્યા સફળ થયો હતો. હાર્દિકે અગાઉ બેટિંગમાં તોફાની 93 રન ફટકારતાં ભારત 200નો આંક પાર કરવામાં સફળ રહ્યું હતું.