કેપ ટાઉન ટેસ્ટમાં ભારતનો 72-રનથી પરાજય; દક્ષિણ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ

કેપ ટાઉન – દક્ષિણ આફ્રિકાએ ભારતને અહીં પહેલી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે 72 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી છે. બીજી ટેસ્ટ મેચ સેન્ચુરીયનમાં ૧૩ જાન્યુઆરીથી રમાશે.

ભારતને જીત માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ તેના ટોચના બેટ્સમેનો પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયા અને આખી ટીમ બીજા દાવમાં માત્ર 42.4 ઓવર જ રમી શકી હતી અને 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આજે ચોથા દિવસની રમતમાં બંને ટીમની મળીને કુલ 18 વિકેટ પડી હતી. દક્ષિણ આફ્રિકાના બીજા દાવની 8 અને ભારતના બીજા દાવની તમામ 10.

ભારતનો બીજો દાવ વહેલો સમેટી લેવામાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નન ફિલેન્ડરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એણે 15.4 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ લીધી હતી. અન્ય બે ફાસ્ટ બોલર – મોર્ની મોર્કેલ અને કેગીસો રબાડાએ વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી. ફિલેન્ડરને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

રવિચંદ્રન અશ્વિન 37 રન સાથે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો. 208 રનનો ટાર્ગેટ ચેઝ કરવા જતાં શિખર ધવન 16, મુરલી વિજય 13, ચેતેશ્વર પૂજારા 4, વિરાટ કોહલી 28, રોહિત શર્મા 10, રિદ્ધિમાન સહા 8, હાર્દિક પંડ્યા 1, મોહમ્મદ શમી 4 અને જસપ્રીત બુમરાહ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. ભૂવનેશ્વર કુમાર 13 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

અગાઉ, ભારતના ત્રણ ફાસ્ટ બોલરો – મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ભૂવનેશ્વર કુમારની ત્રિપુટીએ લંચ પહેલાના સત્રમાં દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 130 રનમાં પૂરો કરીને સનસનાટી મચાવી દીધી હતી અને એને કારણે ભારત માટે જીતની સંભાવના ઊભી થઈ હતી. ભારતને મેચ જીતવા માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં ભારત ઉપર 77 રનની લીડ મેળવી હતી.

ગઈ કાલનો ત્રીજો દિવસ આખો વરસાદને કારણે વેડફાઈ ગયા બાદ દક્ષિણ આફ્રિકાએ તેનો બીજા દિવસનો બે વિકેટ 65 રનનો અધૂરો દાવ આજે આગળ ધપાવ્યો હતો. શમી, બુમરાહ અને ભૂવનેશ્વરે આજે પડેલી તમામ 8 વિકેટ એમની વચ્ચે વહેંચી લીધી હતી. બુમરાહે બે અતિ કિંમતી એવી એબી ડી વિલિયર્સ (35) અને કેપ્ટન ફાફ ડુ પ્લેસી (0) તેમજ વિકેટકીપર ક્વિન્ટન ડી કોક (8)ની વિકેટો ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટે 65 રન કર્યા હતા. આજે ટીમે બીજા 65 રન કર્યા હતા, પણ 8 વિકેટ ખોઈ દીધી.

આજે દિવસની ભારતની સફળતાનો આરંભ શમીએ કરાવ્યો હતો. એણે હાશીમ અમલા (4) અને કેગીસો રબાડા (5)ની વિકેટ પાડી હતી.

ભૂવનેશ્વરે કેશવ મહારાજ (15) અને મોર્ની મોર્કેલ (2)ને આઉટ કરીને ભારતનું કામ વધારે આસાન કર્યું હતું.

આ ત્રણેય ફાસ્ટ બોલરોને સાથ મળ્યો હતો વિકેટકીપર રિદ્ધિમાન સહાનો, જેણે આજે ચાર કેચ પકડ્યા હતા. સહાએ દાવમાં કુલ પાંચ કેચ પકડ્યા છે. એબી ડી વિલિયર્સ સૌથી છેલ્લો આઉટ થયો હતો. બુમરાહની બોલિંગમાં ભૂવનેશ્વરે એનો કેચ પકડીને દક્ષિણ આફ્રિકાના બીજા દાવનો અંત લાવી દીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]