ઓલિમ્પિક 2024: બે મેડલ જીતી મનુ ભાકરે રચ્યો ઇતિહાસ

પેરિસઃ ઓલિમ્પિક 2024માં ચોથા દિવસે મનુ ભાકર અને સરબજોત સિંહે ભારત માટે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે કોરિયન જોડીને માત આપી છે. એ સાથે ભારતને નામે હવે ઓલિમ્પિક 2024માં કુલ બે મેડલ થઈ ગયા છે. આ બંને મેડ બ્રોન્ઝ છે. જોકે ભારતને અન્ય ગેમ્સમાંથી પણ મેડલની અપેક્ષા છે.

ભારતની સાથે-સાથે મનુ ભાકર માટે 30 જુલાઈનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. મનુ ભાકરે મેડલ જીતીને એક બહુ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

મનુ ભાકરે બનાવ્યો રેકોર્ડ

હરિયાણાની એથ્લીટ મનુ ભાકરે ઓલિમ્પિક 2024માં બે દિવસની અંદર બે મેડલ જીત્યા છે. તેણે ગેમ્સ શરૂ થવાના બીજા દિવસે મહિલાઓના 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. એના બે દિવસ પછી મનુ ભાકરે બીજો મેડલ એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં જીત્યો હતો. આ બંને મેડલની સાથે મનુએ ઇતિહાસ રચ્યો છે. તે ભારત માટે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ખેલાડી બની ગઈ છે. જોકે આ પહેલાં નોર્મન પ્રિચર્ડે 1900 ઓલિમ્પિકમાં 200 મીટર સ્પ્રિન્ટ અને 200 વિઘ્ન દોડમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા, પણ આ સફળતા સ્વતંત્રતા પહેલાં મળી હતી. 1900 ઓલિમ્પિકનું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું હતું.

મનુ ભાકરે આ ઇવેન્ટમાં પણ ખૂબ જ ધીરજ રાખી હતી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત પ્રભુત્વસભર રમત બતાવી હતી. સરબજોત સિંહ પણ હરિયાણાનો 22 વર્ષીય એથ્લિટ છે.