નવી દિલ્હીઃ પાછલા કેટલાક સમયથી કોરોના વાઇરસથી વિશ્વઆખું ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાને ખતમ કરવા માટે હજી સુધી કોઈ નક્કર દવા શોધાઈ નથી. જેથી લોકો ડરની સાથે જીવી રહ્યા છે. હાલ તો આ ડરની સાથે રમતનાં મેદાનો ફરી એક વાર ખેલાડીઓથી ઊભરાઈ રહ્યા છે. સ્પોર્ટ્સપ્રધાન કિરણ રિજીજુએ પણ કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં ભારતે નજીકના ભવિષ્યમાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું યજમાનપદ નહીં કરે અને વગર દર્શકોએ સ્ટેડિયમમાં રમાતી રમતોનો આનંદ લેવા માટે શીખવું પડશે.
T20 વિશ્વ કપ સ્થગિત થવાની સ્થિતિમાં
રિજીજુની આ વાતનો સૌથી વધુ પ્રભાવ સૌથી વધુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર પડશે. ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત T20 વિશ્વ કપને સ્થગિત થવાની સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ઓક્ટોબર-નવેમ્બરમાં એનું આયોજનની યોજના બનાવી રહ્યું છે.
રિજીજુએ કહ્યું છે કે અમે સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરી શરૂ કરવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છે, પણ આ પહેલાં અમારે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટે વિચારવું પડશે. આપણે હાલ તુરંતમાં કોઈ ટુર્નામેન્ટ શરૂ કરવાની સ્થિતિમાં નથી.
ખાલી સ્ટેડિયમમાં રમવાની આદત પાડવી પડશે
તેમણે કહ્યું હતું કે આપણે એવી સ્થિતિ સાથે રહેતા શીખવું પડશે, જ્યાં સ્ટેડિયમો ખાલી હશે અને દર્શકો વિના સ્પોર્ટ્સ એક્ટિવિટીનું સંચાલન કરવું પડશે. કોવિડ-19 રોગચાળાને કારણે અનિશ્ચિત કાળ માટે IPLની 13મી આવૃત્તિ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં કોઈ પણ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવાનો વિશેષાધિકાર સરકારની પાસે છે.
સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે
તેમણે કહ્યું હતું કે દેશમાં આ વિશે સરકારે નિર્ણય લેવાનો છે અને એ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે. અમે સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને રમતોનું આયોજન ન કરી શકીએ. તેમણે કહ્યું હતું કે અમારું ધ્યાન કોવિડ-19થી લડવા પર કેન્દ્રિત છે અને સ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. કોઈ પણ તારીખ બતાવવી એ મુશ્કેલ છે, પણ મને વિશ્વાસ છે આપણે આ વર્ષે કેટલીક રમતોનું આયોજન કરી શકીશું.