નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની તમામ ઉંચાઇઓ પ્રાપ્ત કરી છે અને ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમનું યોગદાન ખરેખર કાબીલે દાદ રહ્યું છે. પરંતુ હવે ધોનીને નેશનલ ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે ફાઈટ કરવી પડશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ચેતન શર્માએ મીડિયા સાથે વાત કરતા ધોનીના વખાણ કર્યા અને કહ્યું કે, લાંબા સમયથી ટીમ માટે તેઓ ઉપ્લબ્ધ નથી અને આના કારણે જ સિલેક્ટર્સની સામે તેમને લઈને મોટો સવાલ ઉભો થયો છે. ચેતન શર્માએ કહ્યું કે, ભારતીય ટીમ માટે ધોનીનું જે યોગદાન રહ્યું છે, તેનાથી કોઈપણ ઈનકાર ન કરી શકે. તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઘણી ઉંચાઈઓને સ્પર્શ કરી છે અને આઈસીસીના ત્રણેય મોટા ખિતાબ ટીમ ઈન્ડિયાને અપાવ્યા છે પરંતુ તેઓ ઘણા દિવસોથી રમી રહ્યા નથી અને આ જ ભારતીય સિલેક્ટર્સ માટે એક મોટો સવાલ ઉભુ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, નેશનલ ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે ધોનીએ ફાઈટ કરવી પડશે.
તેમણે જણાવ્યું કે, કે.એલ.રાહુલ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. આ પહેલા ધોનીની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે પહેલા રિષભ પંતને ટ્રાય કર્યો હતો પરંતુ હવે તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. કે.એલ. રાહુલ કે જે ટીમમાં રેગ્યુલર વિકેટકીપર છે તેઓ વન ડેમાં વિકેટ પાછળ ખૂબ સારુ કામ કરી રહ્યા છે અને સાથે જ ફિનિશરની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે.
ધોનીના ટીમમાં ન રહેવાથી કેટલાક યુવા ખેલાડીઓએ ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ત્યારે આવામાં કે.એલ.રાહુલ સારુ કામ કરી રહ્યો છે અને બાદમાં રિષભ પંત પણ લાઈનમાં જ છે. આના કારણે હવે ધોનીને ઈન્ડિયન ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે ફાઈટ કરવી પડશે. ધોનીએ જુલાઈ 2019 બાદ કોઈપણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી.