‘શાહીનને મારી શકો, અર્શદીપસિંહને નહીં’: પંજાબ કિંગ્સ ટીમનો કટાક્ષ

ચંડીગઢઃ ગઈકાલે બેંગલુરુમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાંચમી અને આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 6-રનથી હરાવીને પાંચ-મેચોની સીરિઝ 4-1થી જીતી લીધી. આ મેચમાં ભારતના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચની છેલ્લી ઓવરમાં કરેલી બહાદુરીભરી બોલિંગનું દ્રષ્ટાંત આપીને આઈપીએલ સ્પર્ધાની પંજાબ કિંગ્સ ટીમે એક ટ્વીટમાં પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન અફરિદીને ટોણો મારવાની તક ઝડપી લીધી.

ગઈકાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 161 રનનો ટાર્ગેટ હતો, પણ પ્રવાસી ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 154 રન કરી શકી હતી. આખરી ઓવરમાં એણે 10 રન કરવાના હતા. કેપ્ટન અને વિકેટકીપર મેથ્યૂ વેડ દાવમાં હતો, પણ અર્શદીપે એને આઉટ કર્યો હતો. તે ઓવરમાં અર્શદીપે માત્ર ત્રણ જ રન આપ્યા હતા અને સિક્સર મારવાનો પ્રયાસ કરનાર વેડની વિકેટ લીધી હતી. ભારત આ મેચ 6-રનથી જીતી ગયું હતું.

અર્શદીપની સનસનાટીભરી તે ઓવર વિશે પંજાબ કિંગ્સ ટીમે એક મજાક વહેતી મૂકી છે. તેણે પોતાના X એકાઉન્ટ પર  બે વર્ષ પહેલાંની મેચની યાદ અપાવી છે. એણે લખ્યું છે, 2021ની T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આ જ મેથ્યૂ વેડે શાહીન અફરિદીની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારીને પાકિસ્તાનને સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધું હતું. પંજાબ કિંગ્સે ટોણો માર્યો છે કે, ‘મેથ્યૂ વેડ તમે આ ડાબોડી ફાસ્ટ બોલરને મારી ન શકો.’