નીરજ ચોપડાએ ડાયમંડ લીગ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્ચો

જ્યુરિચઃ ઓલિમ્પિક ચેમ્પિયન જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સ્વિટઝર્લેન્ડના જ્યુરિચમાં ડાયમન્ડ લીગ ફાઇનલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે ડાયમંડ લીગ ટ્રોફી જીતવાવાળો પહેલો ભારતીય એથ્લીટ બની ગયો છે. નીરજે 88.44 મીટરનો બેસ્ટ થ્રોની સાથે ડાયમન્ડ લીગ ટ્રોફી પોતાને નામે કરી હતી.  આ પહેલાં તેણે 2017 અને 2018માં પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું, પણ એ વખતે તે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો.

ડાયમન્ડ લીગ ફાઇનલ્સમાં નીરજની શરૂઆત ખરાબ રહી હતી. ઇજાને કારણે એક મહિના સુધી બહાર રહ્યા પછી તેણે શાનદાર કમબેક કર્યું છે. તેણે ડાયમન્ડ લીગ સિરીઝના લુસાને તબક્કો જીતીને બે દિવસની ફાઇનલ્સ માટે ક્વોલિફાય કર્યું હતું.

નીરજ આ પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની ટ્રોફી જીતનાર પહેલો ભારતીય બન્યો છે. જુલાઈમાં અમેરિકામાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. ત્યાર બાદ તેને ઇજા થઈ હતી, જને લીધે બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સથી બહાર થયો હતો.

ડાયમન્ડ લીગ ફાઇનલ્સમાં ચેક ગણરાજ્યના ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેજ 86.94 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોની સાથે બીજા સ્થાને હતો. તેણે ચોથા પ્રયાસમાં પણ આટલો જ દૂર ભાલો ફેંક્યો હતો. જર્મનીના જુલિયન વેબર 83.73 મીટરની સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. 24 વર્ષીય ભારતીય સુપરસ્ટાર નીરજ હવે ઓલિમ્પિક ચેમ્પિયન, વિશ્વ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ વિજેતા અને ડાયમંડ લીગ ચેમ્પિયન છે. આ બધુ તેણે 13 મહિનામાં હાંસલ કર્યું છે. તેણે ગયા વર્ષે સાત ઓગસ્ટે ટોક્યોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.