‘મને મારી ટીમની-ટેલેન્ટમાં વિશ્વાસ હતો’: શ્રીલંકાના કોચ

દુબઈઃ ભાનુકા રાજાપક્ષાની ફટકાબાજી, વનિંદુ હસરંગાના ઓલરાઉન્ડ દેખાવ અને મધ્યમ ઝડપી બોલર પ્રમોદ મદુશનની 4-વિકેટના બોલિંગ દેખાવની મદદથી દસૂન શાનકાની આગેવાની હેઠળની શ્રીલંકા ટીમે ગઈ કાલે અહીં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 23-રનથી હરાવીને એશિયા કપ T20 સ્પર્ધા-2022 જીતી લીધી. શ્રીલંકાએ આ છઠ્ઠી વખત આ ટ્રોફી જીતી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. એક સમયે એવું લાગ્યું હતું કે શ્રીલંકાની ટીમ સવાસોનો સ્કોર પણ કરી નહીં શકે, પરંતુ રાજાપક્ષાના અણનમ 71 (45 બોલ, 3 સિક્સર, 6 બાઉન્ડરી)ની ફટકાબાજી, હસરંગાના 36 રન (બંને વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી)ની મદદથી ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 170 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. એના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજપક્ષાને ‘પ્લેયયર ઓફ ધ મેચ’ અને હસરંગાને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નું ઈનામ આપવામાં આવ્યું હતું.

મેચ બાદ શ્રીલંકાની ટીમના હેડ કોચ ક્રિસ સિલ્વરવૂડે કહ્યું કે મને તેમની ટીમના ખેલાડીઓની ટેલેન્ટમાં વિશ્વાસ હતો. મને ખાતરી હતી કે દરેક ખેલાડી વિજેતાપદ હાંસલ કરવા પૂરેપૂરું જોર લગાવી દેશે. ઘણા યુવાન બોલરોની આ ટીમ છે અને એમને આટલો સરસ દેખાવ કરતા જોવાનો મને આનંદ થયો છે. બહુ સરસ સંઘભાવના જોવા મળી. ખેલાડીઓએ એમની ક્ષમતા કરતાંય વધારે સારો દેખાવ કર્યો છે. સ્પર્ધાની પહેલી જ મેચમાં અફઘાનિસ્તાન સામે હારી ગયા બાદ અમારા દરેક ખેલાડીએ શ્રેષ્ઠ દેખાવ કરવા માટે એમનો જાન રેડી દીધો હતો.