દેશની સ્થાનિક સ્તરની સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્પર્ધા રણજી ટ્રોફીની વર્ષ 2018-19ની મોસમ હાલ રમાઈ રહી છે. અમુક મેચો એક સાથે રમાડવામાં આવે છે.
આ સ્પર્ધાની સૌથી સફળ ટીમોમાંની એક છે, મુંબઈ. એનો એક ફાસ્ટ બોલર છે – તુષાર દેશપાંડે.
આ દેશપાંડેની એક એવી વાત છે જે દિલને સ્પર્શી જાય છે.
દેશપાંડેએ 2016-17ની મોસમમાં રણજી ટ્રોફીમાં આગમન કર્યું હતું, પરંતુ ત્યારબાદ એને ઘૂંટીમાં ઈજા થતાં ત્યારબાદની સીઝનમાં એ રમી શક્યો નહોતો.
હાલમાં જ એણે વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં પ્રભાવક કમબેક કર્યું હતું અને એની ટીમને વિજેતાપદ હાંસલ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
વિજય હઝારે ટ્રોફી સ્પર્ધાની 8 મેચોમાં 23 વર્ષના દેશપાંડેએ 15 વિકેટ ઝડપી હતી અને મુંબઈ 12 વર્ષના ગાળા બાદ ફરી આ સ્પર્ધા જીતી શક્યું. દેશપાંડે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને પોતાનો પ્રેરણામૂર્તિ માને છે.
દેશપાંડેએ એના જીવનમાં આવેલા એક કઠિન સમયગાળા વિશે વાતચીત કરી છે.
એણે કહ્યું, ‘મને ઘૂંટીમાં ફ્રેક્ચર થયું હતું એટલે હું મેચ રમી શકું એમ નહોતો. એ મારો બહુ કપરો કાળ હતો. એ વખતે હું ડેલ સ્ટેનની બોલિંગના વિડિયો જોયા કરતો હતો અને એમાંથી મેં પ્રેરણા મેળવી હતી. મારા પરિવારજનો એ પણ મને એ સમયમાં ખૂબ ધરપત અને હિંમત આપી હતી.’
એ જ સમયગાળા દરમિયાન દેશપાંડેને બીજો સખત આંચકો ત્યારે લાગ્યો જ્યારે એની માતાને કેન્સરની બીમારીનું નિદાન થયું હતું. યુવાન તુષાર ખૂબ જ ડઘાઈ ગયો હતો. પરંતુ એનાં માતાએ પોતાનાં દ્રઢમનોબળ વડે ભયાનક બીમારીનો સામનો કર્યો હતો અને એમાંથી એ સાજા થઈ શક્યાં હતાં. તુષાર કહે છે, મારી માતાનાં એ જંગે પણ મારી મુશ્કેલીનો સામનો કરવામાં મને ખૂબ મદદ કરી.
રણજી ટ્રોફીમાં કમબેક કર્યા બાદ દેશપાંડે હાલ જોરદાર ફોર્મમાં બોલિંગ કરી રહ્યો છે. રેલવે સામે દિલ્હીમાં રમાતી મેચના પહેલા દાવમાં એણે કાતિલ આઉટસ્વિંગર્સ વડે 24.2 ઓવરમાં 70 રન આપીને 6 વિકેટ પાડી હતી.
મુંબઈએ 41 વખત રણજી ટ્રોફી જીતી છે, પણ છેલ્લી બે મોસમથી એ જીતી શકી નથી. દેશપાંડે પોતાના તરફથી પૂરા પ્રયાસો કરે છે કે મુંબઈ ફરી રણજી ટ્રોફી ચેમ્પિયન બને.
દેશપાંડેએ કહ્યું છે કે પોતે કારકિર્દીમાં આગળ વધતો જશે તેમ બોલ ફેંકવાની સ્પીડ વધારતો જશે. જોકે તુષારે એની એક નબળાઈ પર જીત હાંસલ કરવાની જરૂર છે. એ નો-બોલ ખૂબ ફેંકે છે. અત્યાર સુધીમાં પ્રથમ કક્ષાની 8 મેચોમાં એ 21 વિકેટ તો મેળવી શક્યો છે, પણ 67 નો-બોલ પણ ફેંકી ચૂક્યો છે.
મુંબઈની પડોશમાં આવેલા થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં રહેતો તુષાર નાનપણથી જ ક્રિકેટર બનવા માગતો હતો. કિશોરાવસ્થામાં એણે મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક જિમખાના એકેડેમીમાં તાલીમ લેવાનું નક્કી કર્યું હતું. એને તો બેટ્સમેન બનવું હતું અને પ્રવેશ માટે બેટિંગ માટેની લાઈનમાં ઊભો રહી ગયો હતો. પરંતુ એ લાઈન બહુ લાંબી હતી જ્યારે ફાસ્ટ બોલરોની લાઈન ટૂંકી હતી. અને એણે લાઈન બદલી નાખી. આમ, મુંબઈને અનાયાસે મળી ગયો એક મહત્ત્વનો ફાસ્ટ બોલર.
‘કલ્યાણ-મુંબઈ પેસ એક્સપ્રેસ’ દેશપાંડે ઘાતક-ઝંઝાવાતી ફાસ્ટ બોલિંગ કરે છે. હરીફ બેટ્સમેનો ભારે પરેશાન કરે છે. એ બોલ એટલી એક્યૂરેટ લાઈનમાં અને સ્પીડમાં ફેંકે છે કે બેટ્સમેનને આમતેમ ખસીને ફટકો મારવાનો સમય જ નથી મળતો. એણે રેલવેના ઓપનર નિખીલ ભિલેને ક્લીન બોલ્ડ કર્યો હતો ત્યારે બેમાંની એક બેઈલ ઊડીને છેક ફાઈન લેગ બાઉન્ડરી પર જઈને પડી હતી.
આ ઝડપી બોલરને આશા છે કે પોતાને આઈપીએલ સ્પર્ધામાં રમવાનું વહેલી તકે આમંત્રણ મળશે.