મોહમ્મદ શમીને ક્રિકેટ બોર્ડે મેચ-ફિક્સિંગની તપાસમાં નિર્દોષ જાહેર કર્યો

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મેચ-ફિક્સિંગની પ્રવૃત્તિઓમાં સંડોવાયો હોવાના આક્ષેપોની તપાસમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કોઈ પુરાવો મળ્યો નથી. ક્રિકેટ બોર્ડે વાર્ષિક રીટેનર કોન્ટ્રાક્ટ્સમાં શમીને ગ્રેડ-Bમાં સામેલ કર્યો છે.

આમ, છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ફસાયેલા શમીને મોટી રાહત મળી છે.

બીસીસીઆઈ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમાર, જેઓ બીસીસીઆઈના એન્ટી-કરપ્શન યુનિટ (એસીયૂ)ના વડા પણ છે, એમણે તપાસ કરીને શમીને ક્લીન ચિટ આપી છે.

નીરજ કુમારે શમી સામેના આક્ષેપોમાં તપાસ કરી હતી અને પોતાનો ખાનગી અહેવાલ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ને સુપરત કર્યો હતો.

હસીન જહાં – મોહમ્મદ શમીની પત્ની

નીરજ કુમારે આપેલા તપાસ અહેવાલને પગલે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ એવા નિષ્કર્ષ પર આવી છે કે શમી સામે બીસીસીઆઈની ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતા અંતર્ગત વધુ કોઈ પગલાં લેવાની કે કોઈ પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર નથી.

બીસીસીઆઈએ નવા વાર્ષિક રીટેનર કોન્ટ્રાક્ટ્સમાં નવી A+ કેટેગરીની રચના કરી છે. એમાં તેણે પાંચ ક્રિકેટરોને સામેલ કર્યા છે – વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ. આ ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ રૂપિયાનો પગાર મળશે.

ગ્રેડ-B કેટેગરીમાં જે ખેલાડીઓને કરારબદ્ધ કરવામાં આવ્યા છે એમને વાર્ષિક રૂ. 3 કરોડનો પગાર મળશે. શમીને ક્રિકેટ બોર્ડે આક્ષેપોમાંથી ક્લીયર કરતાં એ આ વર્ષની આઈપીએલમાં પણ રમી શકે. એને દિલ્હી ડેરડેવિલ્સ ટીમે પસંદ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શમીની પત્ની હસીન જહાંએ શમી સામે ઘરેલુ હિંસા ઉપરાંત મેચ-ફિક્સિંગની પ્રવૃત્તિમાં સામેલ થયો હોવાના આક્ષેપો કર્યા હતા. હસીન જહાંએ એવું કહ્યું હતું કે શમીએ એક પાકિસ્તાની મહિલા પાસેથી બેહિસાબ પૈસા લીધા હતા. હસીનનાં આ આક્ષેપોની એની ક્રિકેટ બોર્ડની સીઓએ દ્વારા નોંધ લેવામાં આવી હતી અને એસીયૂને તપાસ કરવાનું કહ્યું હતું.

શમી ભારત વતી 30 ટેસ્ટ મેચમાં રમી ચૂક્યો છે જેમાં એણે 110 વિકેટો લીધી છે. એ 50 વન-ડે ઈન્ટરનેશનલ્સ (91 વિકેટ) અને સાત ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો (8 વિકેટ) પણ રમી ચૂક્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]