WTC-ફાઈનલઃ જાડેજા-અશ્વિન પર મોટો મદારઃ દિલીપ દોશી

લંડનઃ સાઉધમ્પ્ટનના એજીસ બોલ (રોઝ બોલ)માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ગઈ કાલે ત્રીજો દિવસ હતો અને ન્યૂઝીલેન્ડને તેના ફાસ્ટ બોલર કાઈલ જેમીસન અને ટોમ લેથમ-ડેવોન કોન્વેની બેટિંગ ઓપનિંગ જોડીએ સંગીન સ્થિતિમાં મૂક્યું છે. ભારતનો પહેલો દાવ ગઈ કાલે લંચ પછીના સત્રમાં 217 રનમાં પૂરો થયા બાદ ન્યૂઝીલેન્ડે દિવસની રમતને અંતે તેના પહેલા દાવમાં બંને ઓપનરની વિકેટના ભોગે 101 રન કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સન 12 રન સાથે દાવમાં હતો અને રોસ ટેલરે ખાતું ખોલાવ્યું નહોતું. લેથમ 30 રન અને કોન્વે 54 રન કરીને આઉટ થયો હતો. લેથમની વિકેટ ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી હતી તો કોન્વેને ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ આઉટ કરાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમ હજી 116 રન પાછળ છે.

મૂળ રાજકોટના અને લંડનમાં સ્થાયી થયેલા અને હવે ઉદ્યોગપતિ તરીકે જાણીતા થયેલા ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર દિલીપ દોશી (73)નું કહેવું છે કે, ‘WTC ફાઈનલમાં ભારતના ખેલાડીઓએ દરેક રન માટે સંઘર્ષ કરવો પડશે. આમાં બંને સ્પિનર – રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.’ દિલીપ દોશી વિશે રસપ્રદ જાણકારી એ છે કે ઈંગ્લેન્ડમાં બીજા કોઈ પણ ભારતીય કરતાં દોશી વધારે ક્રિકેટ રમ્યા છે. ભૂતકાળમાં એ નોટિંગહામશાયર અને વોર્વિકશાયર કાઉન્ટી ટીમો વતી રમ્યા હતા. સુનીલ ગાવસકરની સાથે કોમેન્ટરી બોક્સમાં હાજર રહીને દોશીએ પોતાની વિશેષ કમેન્ટ્સ આપી હતી.

દિલીપ દોશી