પર્થ ટેસ્ટમાં ભારત પર તોળાતો પરાજય; જીત મેળવવા હજી 175 રનની જરૂર

પર્થ – ઓસ્ટ્રેલિયા સામે અહીં પર્થ સ્ટેડિયમ ખાતે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ આજે ચોથા દિવસે મુસીબતમાં મૂકાઈ ગઈ હતી. ભારતને જીત માટે 287 રનનો ટાર્ગેટ મળ્યો છે, પણ બીજા દાવમાં 112 રનમાં જ પાંચ વિકેટ ખોઈ દેતાં એ ચિંતાજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.

દિવસને અંતે, હનુમા વિહારી 24 અને વિકેટકીપર રિષભ પંત 9 રન સાથે દાવમાં હતો.

લોકેશ રાહુલ (0), મુરલી વિજય (20), ચેતેશ્વર પૂજારા (4), કેપ્ટન વિરાટ કોહલી (17) અને અજિંક્ય રહાણે (30) રન કરીને આઉટ થઈ ગયા છે.

48 રનના સ્કોર પર ઓફ્ફ સ્પિનર નેથન લિયોનની બોલિંગમાં કોહલી આઉટ થતાં જ જીત મેળવવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો હતો. લિયોને ત્યારબાદ ભારતના 55 રનના સ્કોર પર વિજયને પણ આઉટ કરી દેતાં ભારતની મુસીબતમાં વધારો થયો હતો.

ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે દાવની પહેલી જ ઓવરના ચોથા બોલે રાહુલને ક્લીન બોલ્ડ કર્યા બાદ અન્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે પૂજારા અને રહાણેની વિકેટ લીધી હતી.

ચાર-મેચોની સીરિઝમાં ભારત પહેલી ટેસ્ટ જીતીને 1-0થી આગળ છે, પણ હવે ઓસ્ટ્રેલિયાને સીરિઝને 1-1થી સમાન કરવાની તક મળી છે.

અગાઉ સવારે, ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 132 રનનો તેનો અધૂરો બીજો આગળ વધાર્યો હતો. ગઈ કાલના બેટ્સમેનો – ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન ટીમ પેઈન પહેલા કલાકની રમતમાં સાવચેતીપૂર્વક રમ્યા હતા. લંચ પૂર્વેના સત્રમાં ભારતના બોલરોને વિકેટ માટે ઝઝૂમવું પડ્યું હતું. બંને નોટઆઉટ બેટ્સમેનો લંચ સુધી રમી ગયા હતા.

પરંતુ લંચ બાદના સત્રમાં ઓસ્ટ્રેલિયન વિકેટો ટપોટપ પડી હતી અને એમનો બીજો દાવ 243 રનમાં પૂરો થઈ ગયો હતો. ખ્વાજા 72 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન પેઈન 37 રન કરીને આઉટ થયો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 24 રનમાં 56 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. અન્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 39 રનમાં 3 અને ઈશાંત શર્માએ 45 રનમાં 1 વિકેટ મેળવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]