કેરળ હાઈકોર્ટે શ્રીસાન્ત પરનો આજીવન પ્રતિબંધ પ્રસ્થાપિત કર્યો

તિરુવનંતપુરમ – ક્રિકેટમાં કમબેક કરવાની ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તની આશા પર પાણી ફરી વળ્યું છે, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એની પર મૂકેલો આજીવન પ્રતિબંધ કેરળ હાઈકોર્ટે આજે પ્રસ્થાપિત કર્યો છે.

કેરળ હાઈકોર્ટની એક વિભાગીય બેન્ચે આજે નિર્ણય લીધો હતો કે શ્રીસાન્ત પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવાશે નહીં.

શ્રીસાન્તે એની પર બીસીસીઆઈ દ્વારા મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગયા ઓગસ્ટમાં કોર્ટની સિંગલ બેન્ચે પ્રતિબંધ ઉઠાવી લેવાનો ચુકાદો આપ્યો હતો.

એ ચુકાદા સામે ભારતીય ક્રિકેટ બોર્ડે અપીલ નોંધાવી હતી અને આજે હાઈકોર્ટ ચીફ જસ્ટિસ નવનીતિ પ્રસાદ સિંહ અને ન્યાયમૂર્તિ રાજા વિજયરાઘવનની બનેલી વિભાગીય બેન્ચે અગાઉના નિર્ણયને રદ જાહેર કર્યો છે.

2015ના જુલાઈમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સ્પોટ-ફિક્સિંગ કેસમાં શ્રીસાન્ત, અંકિત ચવાણ અને અજિત ચાંડિલા સહિત તમામ ૩૬ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે છતાં હાલના કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની આગેવાની હેઠળની બીસીસીઆઈ શિસ્ત સમિતિએ પોતે શિસ્તભંગ તરીકે શ્રીસાન્ત પર મૂકેલા આજીવન પ્રતિબંધના નિર્ણયને બદલવાનો ઈનકાર કરી દીધો હતો.

હાઈકોર્ટના આજના ચુકાદાને પગલે શ્રીસાન્ત માત્ર કેરળ રણજી ટ્રોફી ટીમમાં રમી નહીં શકે એટલું જ નહીં, પણ એ બીસીસીઆઈ તથા અન્ય કોઈપણ રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કોઈ પણ સ્થળે પ્રેક્ટિસ સત્રોમાં પણ ભાગ નહીં લઈ શકે.

આ ચુકાદાથી ભડકી ગયેલા શ્રીસાન્તે ટ્વીટર પર આમ લખ્યું છેઃ ‘આ અત્યાર સુધીનો સૌથી ખરાબ ચુકાદો છે…. મારા માટે સ્પેશિયલ નિયમ? ખરા ગુનેગારોનું શું? ચેન્નાઈ સુપર કિંગ્સનું શું? રાજસ્થાનનું શું?’

httpss://twitter.com/sreesanth36/status/920252495682834432

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]