વડોદરાઃ વડોદરાનિવાસી અને ભારતીય ટીમના સભ્ય બોલિંગ-ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના ટ્વિટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યું છે. કોઈ બિટકોઈન કૌભાંડકારીએ એકાઉન્ટ હેક કર્યું હોય એવું લાગે છે. કૃણાલનું એકાઉન્ટ હેક કરીને હેકરે એમાં લખ્યું હતું કે, બિટકોઈન સામે તે આ એકાઉન્ટ વેચી રહ્યો છે. એકાઉન્ટને આજે સવારે લગભગ 7.31 વાગ્યે હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે જ એકાઉન્ટ પર એક રીટ્વીટ કરાયું હતું અને ફોલો બેક કરવા બદલ ઓલરાઉન્ડરનો આભાર માનવામાં આવ્યો હતો. ટ્વિટર એકાઉન્ટ હેક કરાયું હોય એવો કૃણાલ પંડ્યા કંઈ એકમાત્ર નામાંકિત વ્યક્તિ નથી. 2020માં તો 100થી વધારે નામાંકિત લોકોનાં ટ્વિટર એકાઉન્ટ અનામી કૌભાંડકારીઓ દ્વારા હેક કરાયા હતા.
કૃણાલ ભારતીય ટીમ વતી પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 19 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. કૃણાલ અને તેનો નાનો ભાઈ હાર્દિક આઈપીએલ સ્પર્ધામાં ઘણા વખત સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વતી રમ્યા હતા, પરંતુ આ વખતની સ્પર્ધા માટે મુંબઈ ટીમે એમને જાળવી રાખ્યા નથી. હાર્દિકે આઈપીએલની નવી અમદાવાદ ટીમ સાથે કરાર કર્યો છે. તે ટીમનો કેપ્ટન નિમાયો છે.