મુંબઈકર શાર્દુલ ઠાકુર બન્યો ટીમ ઈન્ડિયાનો તારણહાર; ફટકાબાજી કરી મેચનું પરિણામ ફેરવી નાખ્યું

કટક – ભારતીય ક્રિકેટ ટીમે અહીંના બારાબતી સ્ટેડિયમ ખાતે મોટા જુમલાવાળી અને રસપ્રદ બનેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 4-વિકેટથી પરાજય આપીને 3-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ જોરદાર ફટકાબાજી કરીને એમના હિસ્સાની 50 ઓવરમાં 5 વિકેટે 315 રન કરીને ભારતને જીત માટે 316 રનનો ચેલેન્જિંગ ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 8 બોલ બાકી રાખીને 6 વિકેટના ભોગે 316 રન કરીને મેચ જીતી બતાવી.

ભારતની જીતમાં સિંહફાળો કેપ્ટન કોહલીનો રહ્યો – 85 રનનો, પણ મેચના આખરી તબક્કામાં પરિણામ ભારતની તરફેણમાં લાવી દેવામાં ચમત્કારિક ભૂમિકા ભજવી હતી ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે. ઠાકુરે માત્ર 6 બોલનો સામનો કર્યો હતો જેમાં એણે એક સિક્સર અને બે બાઉન્ડરી ફટકારી હતી. સામે છેડે નોટઆઉટ રહેલા રવિન્દ્ર જાડેજાએ 31 બોલમાં 39 રન કર્યા હતા, જેમાં 4 ચોગ્ગા હતા.

ટીમના 286 રનના સ્કોર પર કોહલી આઉટ થતાં થોડીક તાણ ઊભી થઈ હતી. કોહલીએ 81 બોલનો સામનો કર્યો હતો જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જાડેજા અને ઠાકુરે 30 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

એ પહેલાં, રોહિત શર્મા (63) અને લોકેશ રાહુલ (77)ની ઓપનિંગ જોડીએ 122 રનના સ્કોરનો મજબૂત પાયો ચણી આપ્યો હતો. શર્મા 63 બોલ રમ્યો હતો જેમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. રાહુલે પણ એટલા જ ચોગ્ગા-છગ્ગા માર્યા હતા, એણે 89 બોલનો સામનો કર્યો હતો.

વિરાટ કોહલીને ‘મેન ઓફ ધ મેચ’ અને રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પર આ સતત 10મો વન-ડે શ્રેણી વિજય છે.

300થી વધારે રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં ભારત સૌથી મોખરે છે. એણે આ પરાક્રમ 17 વખત કરી બતાવ્યું છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડ છે – 11 વખત. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 10-10 વખત જ્યારે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન 6-જીત સાથે ચોથા ક્રમે છે.

વેસ્ટ ઈન્ડિઝના દાવમાં કેપ્ટન કાયરન પોલાર્ડ અને નિકોલસ પૂરનની બેટિંગ અદ્દભુત રહી હતી. પૂરને 64 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 89 રન કર્યા હતા. પોલાર્ડ ખૂબ જ આક્રમક રહ્યો હતો અને 7 છગ્ગા, 3 ચોગ્ગા સાથે 51 બોલમાં 74 રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. ઈવીન લૂઈસે 21, વિકેટકીપર ઓપનર શાઈ હોપે 42, રોસ્ટન ચેઝે 38, શિમરોન હેટમાયરે 37 રન કર્યા હતા.