શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીઓ માટે ભારતીય ટીમ ઘોષિત; ધવન, બુમરાહનું પુનરાગમન

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમ આગામી જાન્યુઆરી મહિનામાં ઘરઆંગણે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે અનુક્રમે ટ્વેન્ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની જે શ્રેણીઓ રમવાની છે એ માટેની ટીમોની જાહેરાત આજે રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગીકારોએ કરી છે.

શ્રીલંકાની ટીમ ભારતમાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. પહેલી મેચ પાંચ જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 7 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાની ટીમ જાન્યુઆરીમાં જ ભારતના પ્રવાસે આવશે અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમશે. પહેલી મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.

ટ્વેન્ટી-20 મેચોની સિરીઝ માટેની ટીમમાં ઓપનર શિખર ધવન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કમબેક કર્યું છે. આ સિરીઝ માટે વાઈસ-કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવી જ રીતે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

બુમરાહને બંને સિરીઝ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એ સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ ગયું હતું, પણ હવે એ સાજો થઈ ગયો છે. ટીમના ફિઝીયો નીતિન પટેલે એને રમવાની મંજૂરી આપી છે.

સંજુ સેમસનને બેક-અપ ઓપનર તરીકે ટ્વેન્ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જોકે ફાસ્ટ બોલર દીપક ચાહર માટે ખરાબ સમાચાર છે કે એની પીઠનો દુખાવો વધી ગયો છે અને તે આવતા વર્ષની આઈપીએલ સ્પર્ધાના આરંભ સુધી રમી શકે એમ નથી. એને કારણે નવદીપ સૈનીને ટીમમાં ચાલુ રહેવાનો મોકો મળી ગયો છે.

દીપક ચાહર

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારત પાસે ત્રણ ઓપનર રહેશે – રોહિત શર્મા, શિખર ધવન અને કે.એલ. રાહુલ.

શ્રીલંકા સામેની T20Is મેચો માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન.

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચોની સિરીઝ માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર) કેદાર જાધવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને જસપ્રીત બુમરાહ.