૧૬ ઓક્ટોબર: કપિલ, કેલીસ, હાર્દિક માટે યાદગાર… કઈ રીતે?

કોઈ પણ દેશની ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર માનીતો ગણાય. આ ખેલાડી બોલ અને બેટ, બંનેમાં ટીમ માટે ઉપયોગી સાબિત થતો હોય છે. ભૂતકાળમાં ભારતને વિનુ માંકડ, આબિદ અલી, સલીમ દુરાની જેવા ખેલાડીઓની ઓલરાઉન્ડ ક્ષમતાનો લાભ મળ્યો હતો, પણ કપિલ દેવે આવીને ઓલરાઉન્ડરની વ્યાખ્યા જ જાણે બદલી નાખી હતી. કપિલ ઉપયોગી ઓલરાઉન્ડર ઉપરાંત ટીમનો આધારસ્તંભ ખેલાડી અને અંતે કેપ્ટન પણ બન્યા હતા.

1994ની 17 ઓક્ટોબરે કપિલ દેવ ભારત વતી એમની છેલ્લી મેચ રમ્યા હતા. ત્યારથી ભારતીય ટીમ માટે એક કાબેલ, સક્ષમ ઓલરાઉન્ડરની શોધ ચાલતી આવી છે. હાર્દિક પંડ્યા પર એ શોધ સમાપ્ત થઈ હોય એવું લાગે છે.

ઓલરાઉન્ડરોની વાત પરથી 16 ઓક્ટોબરના દિવસનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ તારીખ કપિલ અને હાર્દિક ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કેલીસ માટે યાદગાર બની છે.

કેલીસનો જન્મ 16 ઓક્ટોબરે થયો હતો તો કપિલ દેવે 1978માં ફૈસલાબાદમાં પાકિસ્તાન સામે એમની પહેલી ટેસ્ટ મેચ ખેલી હતી ત્યારે તારીખ 16 ઓક્ટોબર હતી અને હાર્દિક પંડ્યાએ 2016ની 16 ઓક્ટોબરે કપિલ દેવના હસ્તે પોતાની ODI કેપ ધારણ કરી હતી. તે મેચ હતી ન્યૂ ઝીલેન્ડ સામે ધરમસાલા ખાતેની.

આમ, 16 ઓક્ટોબરની તારીખ આ ત્રણેય ઓલરાઉન્ડરના જીવનની સ્પેશિયલ છે. કેલીસ આજે એનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના આગમન પહેલાં ભારતીય ટીમને અજિત આગરકર, ઈરફાન પઠાણ જેવા કેટલાક ઓલરાઉન્ડરોની સેવા મળી હતી, પરંતુ તેઓ ટેસ્ટ અને વન-ડે, બંને ફોર્મેટમાં સાતત્ય જાળવી શક્યા નહોતા. હાર્દિક પંડ્યા તે સાતત્ય જાળવી શકશે એવી આશા છે. હાર્દિક ટીમમાં સામેલ થવાથી કેપ્ટન વિરાટ કોહલીની તાકાતમાં વધારો થયો છે.

131 ટેસ્ટ મેચોમાં 434 વિકેટ અને બેટિંગમાં 8 સેન્ચુરી, 27 હાફ સેન્ચુરી સાથે 5,248 રન કરનાર કપિલ દેવની તોલે હાર્દિક આવી શકશે કે કેમ એ તો સમય આગળ વધશે તેમ ખબર પડશે, પણ હાર્દિકની ક્ષમતાએ માત્ર દેશના જ નહીં, પણ વિદેશના ધુરંધરોને પણ પ્રભાવિત કરી છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું કહેવું છે કે દંતકથાસમા કપિલની નિવૃત્તિ બાદ હાર્દિકમાં મને મેચ-ટર્નિંગ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા દેખાઈ છે.

પંડ્યા અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ જ રમ્યો છે તો એણે રમેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચોનો આંકડો 26 અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોનો આંકડો 21 છે.

કેલીસ 166 ટેસ્ટ, 328 વન-ડે ઈન્ટરનેશનલ્સ અને 25 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોભરી કારકિર્દીને 2014ના જુલાઈમાં રામ રામ કરી ચૂક્યો છે. એણે ટેસ્ટ ક્રિકેટમાં 45 સદી અને 58 અડધી સદી સાથે 13,289 રન કર્યા છે. વન-ડે ક્રિકેટમાં એણે 17 સદી, 86 અડધી સદી સાથે 11,579 રન કર્યા હતા.

આમ, કપિલ અને કેલીસના સ્તર સુધી પહોંચવામાં હાર્દિકને ઘણી લાંબી મજલ કાપવાની છે.

પંડ્યામાં કપિલ દેવ જેવી ક્ષમતા દેખાઈ એનું મુખ્ય કારણ એ છે કે તે ટોપ-6માં બેટિંગ કરી શકે છે. બોલિંગમાં એ કલાકના 140 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી શકે છે. જેમ વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમતો જાય છે તેમ એનો આત્મવિશ્વાસ વધતો જાય છે.

પંડ્યાની બિગ-હિટિંગ કાબેલિયત અને હેન્ડી ફાસ્ટ-મીડિયમ બોલિંગ ક્ષમતા અસ્સલ એવા પ્રકારની છે જેની ભારતીય ટીમને ખૂબ જરૂર છે.