શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીઃ સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ

અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહી હતી. સપ્તાહના પ્રથમ દિવસે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા, અને ઈન્ડેક્સ હેવી વેઈટ તેમજ તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઈન્ડેક્સે નવા રેકોર્ડ હાઈ લેવલ બનાવ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 32,687.32 અને નિફટીએ 10,242.95 લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 200.95(0.62 ટકા) ઉછળી 32,633.64 બંધ થયો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 63.40(0.62 ટકા) ઉછળી 10,230.85 બંધ રહ્યો હતો.

આઈઆઈપી ગ્રોથ વધીને આવ્યો, રીટેઈલ મોંઘવારી દર ઘટ્યો અને આજે જથ્થાબંધ મોંઘવારી દર 3.24 ટકાથી ઘટી 2.60 ટકા આવ્યો હતો. આમ સ્થાનિક માઈક્રો ઈકોનોમી ડેટા પ્રોત્સાહક આવ્યા છે. જેથી ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે તમામ સેકટરના શેરોના ભાવ વધ્યા હતા.

  • ગોદરેજ એગ્રોવેટનું શાનદાર લિસ્ટીંગ થયું હતું. ગોદરેજ એગ્રોવેટની ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 460 હતી, આજે સવારે બીએસઈ પર રૂ.621 ખુલીને શરૂમાં ઘટી રૂ.563.80 અને ત્યાંથી ઉછળી રૂ.629.80 થઈ અને અંતે રૂ.595.55 બંધ થયો હતો, જે ઈશ્યુ પ્રાઈઝની સામે રૂપિયા 135.55(29.47 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
  • આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
  • રોકડાના શેરોમાં પણ લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 83.54 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 50.51 પ્લસ બંધ રહ્યો હતો.
  • એમસીએક્સનો નફો 11 ટકા વધી રૂ.29.2 કરોડ રહ્યો.
  • બજાજ ફાઈનાન્સનો નફો 37 ટકા વધી રૂ.557 કરોડ આવ્યો
  • કન્સાઈ નેરોલેકનો નફો રૂ.139.30 કરોડથી વધી રૂ.144.60 કરોડ થયો
  • સ્ટરલાઈટ ટેકનોલોજીનો નફો 40 ટકા વધી રૂ.71 કરોડ રહ્યો
  • ફેડરલ બેંકનો નફો 31.1 ટકા વધી રૂ.263.70 કરોડ રહ્યો