બુમરાહ મારી સામે ‘બેબી બોલર’ છેઃ પાકિસ્તાનના અબ્દુલ રઝાકની શેખી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાં શુમાર છે. વિશ્વભરના બેટ્સમેનો તેમની ધારદાર બોલિંગ સામે બેકફૂટ પર ચાલ્યા જાય છે. પણ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકનું માનવું છે કે, તે બુમરાહની બોલિંગ સામે સરળતાથી રમી શકે છે.

રઝાકને પુછવામાં આવ્યું કે, જો તેને બુમરાહની સામે અંતિમ ઓવરમાં 15 રન જોઈતા હોય તો શું રણનીતિ અપવીશ? આનો જવાબ આપતા રઝાકે કહ્યું કે, મેં વિશ્વભરના સર્વશ્રેષ્ઠ બોલરોનો સામનો કર્યો છે. મને બુમરાહ સામે રમવામાં કોઈ મુશ્કેલી ન પડે ઉલ્ટાનું મારી સામે બોલિંગ કરતી વખતે બુમરાહ પર દબાણ જોવા મળે. જ્યારે તમે ગ્લેન મેક્ગ્રા, વસીમ અકરમ અને શોએબ અખ્તર જેવા બોલરોનો સામનો કરી ચૂક્યા હોવ તો તમારો તમારો આત્મવિશ્વાસ ઉંચાઈ પર હોઈ એવા સમયે બુમરાહ મારા માટે ‘બેબી બોલર’ સમાન હોય. હું સરળતાથી બુમરાહની બોલિંગનો સામનો કરી શકુ અને બુમરાહને પણ ખ્યાલ છે કે, મે મારા સમયના સર્વશ્રેષ્ઠ બોલરોનો સામનો કર્યો છે.

જોકે રઝાકે કહ્યું કે, આજના સમયના ખેલાડીઓ સામે બુમરાહ ચોક્કસ એક સારો બોલર છે તેમની યુનિક બોલિંગ એક્શન જ તેમની સફળતાનું રાઝ છે. તેમણે કહ્યું કે, બુમરાહ આજના સમયના ખેલાડીઓ સામે શ્રેષ્ઠ બોલિંગ કરી રહ્યો છે. બુમરાહે તેની બોલિંગ ઘણો સુધારો પણ કર્યો છે. તેમની બોલિંગ એક્શન થોડી જૂદી છે, તે અલગ રીતે રનઅપ લે છે પણ તેમની બોલ રિલીઝ ખૂબ જ સારી છે.

રઝાકે વિરાટ કોહલી અંગે કહ્યું કે, તેની સરખામણી સચિન તેંડુલકર સાથે ન કરી શકાય. આગળ કહ્યું કે, જો તમે 1992થી 2007ની વચ્ચે ક્રિકેટ રમેલા ખેલાડીઓ સાથે વાત કરશો તો ખબર પડશે કે, એ સમયે કયા સ્તરનું ક્રિકેટ રમવામાં આવતુ હતું. એ સમયે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ રમતા હતા. હવે વિશ્વમાં એ સ્તરના ખેલાડીઓ પણ નથી સાથે બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ પણ એ સ્તરની નથી.

તેમણે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલી રન બનાવે છે, તે ભારતીય ટીમનો ખૂબ જ સારો ખેલાડી છે. તે સતત સારી બેટિંગ કરી રહ્યો છે તેમ છતાં પણ તમે તેની સચિન સાથે સરખામણી ન કરી શકો. સચિન એકદમ અલગ જ સ્તરનો બેટ્સમેન હતો.