મુંબઈ – હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ છવાઈ ગયેલો છે અને બીજી બાજુ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ સ્પર્ધાની 12મી આવૃત્તિ પણ રમાઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આતંકવાદી ઘટનાઓ થવાની આશંકા દર્શાવવામાં આવી રહી હતી, પણ હવે આઈપીએલની મેચ ઉપર પણ આતંકવાદનો કાળો ઓછાયો છવાઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, ગુપ્તચર વિભાગે સરકારને કહ્યું છે કે મુંબઈમાં રમાનારી એક આઈપીએલ મેચ વખતે આતંકવાદીઓ હુમલો કરી શકે છે. આ હુમલો મુંબઈમાં આઈપીએલ મેચો જ્યાં રમાય છે તે વાનખેડે સ્ટેડિયમમાં અને ક્રિકેટરોને મુંબઈમાં જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હશે ત્યાં પણ થઈ શકે છે.
આ માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. સમગ્ર તંત્રને હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે અને વાનખેડે સ્ટેડિયમ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.
ગુપ્તચરોને એવી બાતમી મળી છે કે આઈપીએલ મેચ દરમિયાન વિદેશી ક્રિકેટરોની બસને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. સાથોસાથ, ફાયરિંગ પણ થવાનો સંભવ છે.
હુમલો કરવા માટે આતંકવાદીઓ વાનખેડે સ્ટેડિયમની આસપાસના કાર પાર્કિંગનો ઉપયોગ કરે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
આઈપીએલ દુનિયાની સૌથી મોંઘી અને સૌથી પ્રખ્યાત બનેલી ટ્વેન્ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ, એન્ટી-ટેરર સ્ક્વોડના અધિકારીઓએ શંકાસ્પદ ત્રાસવાદીઓ પર હાલમાં જ મુંબઈમાં અમુક દરોડો પાડ્યો હતો. પકડાયેલા અમુક શકમંદોએ પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે એમણે હુમલાની શક્યતાને ચકાસવા માટે હોટેલ ટ્રાઈડેન્ટથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી રેકી કરી હતી.
આને પગલે ક્રિકેટરોને એમની હોટેલથી વાનખેડે સ્ટેડિયમ સુધી લઈ જતી ટીમ બસને રક્ષણ આપવા માટે માર્ક્સમેન કોમ્બાટ વેહિકલ્સ (MCVs) સાથે રાખવાનું સત્તાવાળાઓને કહ્યું છે.
મુંબઈ પોલીસે પણ ખેલાડીઓને એલર્ટ કરી દીધા છે અને એમને કહ્યું છે કે એમણે સુરક્ષા વગર એમની હોટેલમાંથી બહાર નીકળવું નહીં.