ભારતને હરાવવામાં IPLનો અનુભવ કામ આવ્યોઃ બટલર

એડીલેડઃ વિક્રમસર્જક બેટિંગ દેખાવ કરીને ભારતને બીજી સેમી ફાઈનલમાં 10-વિકેટથી હરાવી ટ્વેન્ટી-20 વર્લ્ડકપ-2022માંથી બહાર ફેંકી દેનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે કહ્યું છે કે, ‘ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે એમાંથી જ અમે વર્લ્ડ કપ માટે સુસજ્જ બન્યા છીએ. અમારી ટીમના ખેલાડીઓને આઈપીએલમાં રમવાનો અનુભવ ખૂબ જ કામમાં આવ્યો છે. એને કારણે ભારત સામેની મેચની પરિસ્થિતિથી અમે જરાય આશ્ચર્યચકિત થયા નહોતા. અમે ભારતમાં ઘણું ક્રિકેટ રમ્યા છીએ. તેથી ભારતના ક્રિકેટપ્રેમીઓના અવાજથી ટેવાઈ ગયા છીએ.’

ઈંગ્લેન્ડની ટીમે ગઈ કાલની સેમી ફાઈનલમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 170 રન કરીને ભારતને હરાવ્યું હતું. બટલર અને એલેક્સ હેલ્સની ઓપનિંગ જોડી નોટઆઉટ રહી હતી. બટલર 80 અને હેલ્સ 86 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 13 નવેમ્બરે મેલબોર્નની ફાઈનલમાં બટલરની ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. વર્લ્ડ કપ-2022 શરૂ થઈ એ પહેલાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને સાત-T20I મેચોની શ્રેણીમાં પરાજય આપ્યો હતો.

બટલરનો આઈપીએલમાં પરફોર્મન્સ

આ વર્ષની આઈપીએલમાં બટલર રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય હતો. એની ટીમ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે હારી ગઈ હતી. 32 વર્ષનો બટલર આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી 17 મેચમાં રમી ચૂક્યો છે જેમાં એણે 57.63ની એવરેજ અને 149.05ના સ્ટ્રાઈક રેટ સાથે 863 રન ફટકાર્યા છે. એણે તેમાં ચાર સેન્ચુરી પણ ફટકારી છે.