મુંબઈઃ ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને એક્સપર્ટ કોમેન્ટેટર સુનીલ ગાવસકરનું માનવું છે કે મહત્ત્વની બેટિંગ ભાગીદારીઓના અભાવને કારણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને આઈપીએલ-2023માં નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને પાંચ વખત ચેમ્પિયન બનેલી ટીમ હજી સુધી એકેય વિજય નોંધાવી શકી નથી. ટીમ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અને બીજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.
ગાવસકરે આઈપીએલના સત્તાવાર ટીવી બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને જણાવ્યું કે જ્યાં સુધી તમે મોટી ભાગીદારી ન નોંધાવો ત્યાં સુધી તમારે માટે મોટી જીત હાંસલ કરવાનું મુશ્કેલ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રોહિત શર્મા અને ઈશાન કિશન વચ્ચે ભલે ટૂંકી, પણ ઉપયોગી થાય એવી ભાગીદારી બનાવવી જોઈતી હતી, પરંતુ તેઓ એમાં નિષ્ફળ ગયા છે.