ઓલટાઈમ મોંઘોઃ સેમ કરનને રૂ.18.50 કરોડમાં પંજાબે ખરીદ્યો

કોચીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની નવી, 2023 વર્ષની આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજીની નાની પ્રક્રિયા આજે યોજવામાં આવી છે. એમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને રૂ. 18.50 કરોડમાં પંજાબ કિંગ્સ ટીમે ખરીદ્યો છે. વાસ્તવમાં, કરન આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઊંચી રકમની બોલીએ ખરીદાયેલો ખેલાડી બન્યો છે. હરાજીમાં કરનની બેઝ પ્રાઈસ હતી બે કરોડ રૂપિયા. એને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સે પણ જોર લગાવ્યું હતું, પરંતુ આખરે પંજાબ ટીમ બાજી મારી ગઈ.

ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીનને 17.50 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે જ્યારે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને રૂ. 16.25 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ખરીદ્યો છે.

ઈંગ્લેન્ડના જબરદસ્ત બેટર હેરી બ્રુકને રૂ. 13 કરોડ 25 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે ખરીદ્યો છે. બ્રુક માટેની બેઝ પ્રાઈસ રૂ. દોઢ કરોડ હતી. અનેક ટીમોએ તેને ખરીદવાની મથામણ કરી હતી. આખરે હૈદરાબાદ ટીમ સૌથી ઊંચી બોલી લગાવીને ફાવી ગઈ. હેરી બ્રુકે હાલમાં જ પાકિસ્તાનને એની જ ધરતી પર 3 મેચની ટેસ્ટશ્રેણીમાં વ્હાઈટવોશ પરાજય આપવામાં ઈંગ્લેન્ડ વતી મુખ્ય ભૂમિકા ભજવી હતી. એણે 3 સદી સાથે 468 રન ફટકાર્યા હતા અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ બન્યો હતો.

આઈપીએલ મિની ઓક્શનમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને તેની બેઝ કિંમત રૂ. બે કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો છે. આશ્ચર્યજનક રીતે, ન્યૂઝીલેન્ડના આ શ્રેષ્ઠ બેટ્સમેનને ખરીદવા માટે બીજી કોઈ ટીમે રસ બતાવ્યો નહોતો.

ઈંગ્લેન્ડના બેટર જો રૂટને કોઈ ટીમે ખરીદ્યો નથી. એની બેઝ કિંમત એક કરોડ રૂપિયા છે. અજિંક્ય રહાણેને રૂ. 50 લાખની બેઝ પ્રાઈસમાં ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમે ખરીદ્યો છે.