સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની ઝાટકણી કાઢી

મુંબઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આઈપીએલ-2021ની વિજેતા છે. પણ આઈપીએલ-2022માં એની હાલત ખરાબ છે. લીગ તબક્કામાં હવે એની ચાર મેચ બાકી રહી છે અને પ્લેઓફ્ફ તબક્કામાં પહોંચવું હોય તો એણે ચારેય મેચ જીતવી પડે. એક મેચમાં પણ જો એ હારી જશે તો સ્પર્ધામાંથી આઉટ થઈ જશે. ગઈ કાલે આ ટીમનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 13-રનથી પરાજય થયો હતો. ચેન્નાઈ ટીમ 10 મેચમાંથી સાતમાં હારી ચૂકી છે અને 10-ટીમની સ્પર્ધાના પોઈન્ટ્સ ટેબલમાં 9મા નંબરે છે. સ્પર્ધા શરૂ થઈ એ પહેલાં જ વિકેટકીપર-બેટર મહેન્દ્રસિંહ ધોનીએ સુકાનીપદ છોડી દીધા બાદ ચેન્નાઈ ટીમના સંચાલકોએ સુકાન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સોંપ્યું હતું. બાદમાં ટીમના કંગાળ પરફોર્મન્સને પગલે સુકાનીપદ ફરી જાડેજાના હાથમાંથી ધોનીને સોંપવામાં આવ્યું. તે છતાં ટીમનો કંગાળ દેખાવ ચાલુ જ રહ્યો છે. આને કારણે ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે નારાજગી વ્યક્ત કરી છે.

સેહવાગે કહ્યું છે કે ચેન્નાઈ ટીમે પહેલી ભૂલ એ કરી હતી કે સ્પર્ધાની શરૂઆતમાં ધોનીને બદલે જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. એ તેમનો ખોટો નિર્ણય હતો. બીજું એ કે, જાડેજાને કેપ્ટન બનાવ્યો તો પછી આખી મોસમ માટે એને તે પદે ચાલુ રાખવો જોઈતો હતો. આ વખતની મોસમમાં ચેન્નાઈનો પરફોર્મન્સ ખરાબ રહ્યો છે. ખાસ કરીને બેટરોનો દેખાવ. એ લોકોએ રન કર્યા જ નથી. જો ધોનીને શરૂઆતથી જ કેપ્ટન પદે રાખ્યો હોત તો કદાચ ટીમનો દેખાવ સારો રહ્યો હોત.