કોરોના રોગચાળાના જોખમની વચ્ચે એશિયન ગેમ્સ 2022 સ્થગિત

નવી દિલ્હીઃ ચીનમાં આ વર્ષે એશિયન ગેમ્સનું આયોજન થવાનું હતું. આ ગેમ્સનો પ્રારંભ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈને 25 સપ્ટેમ્બર સુધી હોંગઝાઉ પ્રાંતમાં થવાની હતી, પણ ટુર્નામેન્ટ પર કોરોના રોગચાળાનું ગ્રહણ લાગી ગયું છે. હોંગઝોઉમાં કોરોનાના વધતા કેસોને જોતાં આ ગેમ્સને હાલપૂરતી સ્થગિત કરવામાં આવી છે.

એશિયા ઓલિમ્પિક કાઉન્સિલના ડિરેક્ટર ઘોષણા કરતાં કહ્યું હતું કે 19મી એશિયન ગેમ્સને 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે હોંગઝોઉ પ્રાંતમાં આયોજિત થવાની હતી, એને હાલ સ્થગિત કરવામાં આવી છે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે આ ગેમ્સ માટેની નવી તારીખનું એલાન ટૂંક સમયમાં કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચીનનાં મુખ્ય શહેર શાંઘાઈમાં છેલ્લાં કેટલાંક સપ્તાહોથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. બીજિંગમાં પણ મોટા પાયે ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

બીજિંગ અને શાંઘાઈમાં કોરોના વાઇરસના ઓમિક્રોન સ્વરૂપના વધતા પ્રકોપને જોતાં ગુરુવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને કોવિડ-ઝીરો નીતિનું પાલન કરવા નિર્દેશ આપતાં કહ્યું હતું કે રોગચાળાને અટકાવવાની કામગીરી મહત્ત્વના તબક્કામાં પહોંચી ગઈ છે.

ટોક્યો ઓલિમ્પિક 2020ને પણ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. કોરોના રોગચાળો સૌપ્રથમ વાર વિશ્વમાં ફેલાયો એના એક વર્ષ પછી ગેમ્સને 2021માં ટોક્યોમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી. વાસ્તવમાં ચીનમાં જેટલું સંક્રમણનો સામનો કરી રહ્યું છે, એ અત્યાર સુધીનું સૌથી વધુ સંક્રમણ છે.