નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે દેશને સંબોધિન કર્યું હતું. કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ હતો. લોકડાઉનને આગામી 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે આઈપીએલની 13 મી સિઝન પણ સ્થગિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ હવે 19 દિવસનું ફરીથી લોકડાઉન કર્યું છે કે જે 3 મે સુધી લાગુ રહેશે. આ કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવેલી આઈપીએલ 2020 ને ફરીથી એકવાર સ્થગિત કરવાનો નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને લેવો જ પડશે. બીસીસીઆઈ આગામી સમયમાં આ મામલે એક મોટી જાહેરાત કરશે કે આ લીગને ક્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે આઈપીએલની 13 મી સીઝન 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે આને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી હતી. બીસીસીઆઈને રાહ હતી કે વડાપ્રધાન મોદી શું જાહેરાત કરે છે અને 15 એપ્રિલના રોજ નવી ગાઈડલાઈન્સ શું કહે છે. જો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 3 મે સુધી તો આઈપીએલ શરુ નહી જ થઈ શકે, જેની અધિકારીક જાહેરાત બીસીસીઆઈ આગામી એક-બે દિવસમાં કરે તેવી શક્યતાઓ છે.