ચટ્ટોગ્રામ (અથવા ચટગાંવ): અહીંના ઝહુર ચૌધરી સ્ટેડિયમ ખાતે આવતી 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે રમાનાર પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું સુકાન કે.એલ. રાહુલ સંભાળશે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી તે બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં નહીં રમે. રોહિતને બાંગ્લાદેશ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે ફિલ્ડિંગ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગ્યો હતો. એ ત્રીજી વન-ડેમાં પણ રમી શક્યો નહોતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
ભારતીય ટીમઃ કે.એલ. રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યૂ ઈશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.
અભિમન્યૂ ઈશ્વરન ભારત-A ટીમનો કેપ્ટન છે, જમોડી બેટર છે અને સ્થાનિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરે છે. એનો જન્મ દેહરાદૂનમાં થયો હતો, પરંતુ એનો પરિવાર તામિલ છે. એના પિતા આર.પી. ઈશ્વરન દેહરાદૂનમાં ક્રિકેટ એકેડેમી ચલાવે છે અને એક સ્ટેડિયમ પણ બાંધ્યું છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી ઢાકામાં રમાશે. બંને મેચ સ્થાનિક સમય મુજબ સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે.