1983માં કપિલ દેવના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. એના ચાર વર્ષ પછી – 1987ની વર્લ્ડ કપનું આયોજન ભારતે કર્યું અને એને સ્પોન્સર કરી હતી ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (વિમલ બ્રાન્ડ). આજે ભારતની માત્ર એક બ્રાન્ડ જ નહીં અને માત્ર એક રમતમાં નહીં, પણ અનેક બ્રાન્ડ્સ વર્લ્ડ સ્પોર્ટ્સમાં કાઠું કાઢી રહી છે.
રમતગમતોના વિશ્વસ્તરે વિકાસ અને વૃદ્ધિ માટે નાણાં જરૂરી છે અને તે કોર્પોરેટ કંપનીઓ પાસેથી મળી શકે.
ભારતની અનેક જાણીતી બ્રાન્ડ્સ અને અગ્રગણ્ય કોર્પોરેટ કંપનીઓ લાખો ડોલર્સની રકમની સ્પોન્સરશિપ્સ અને ભાગીદારીના ડીલ્સ સાથે વિશ્વસ્તરે જુદી જુદી રમતોને પ્રમોટ કરી રહી છે.
એચસીએલ, ટેક મહિન્દ્રા, ટાટા કમ્યુનિકેશન્સ જેવી ભારતની ટોચની ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓએ વિશ્વની અમુક નામાંકિત સ્પોર્ટ્સ ક્લબ્સ સાથે ડિજિટલ ભાગીદારી કરી છે.
એચસીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એપોલો ટાયર્સ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધાની ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે ભાગીદારી કરી છે.
એચસીએલ-માન્ચેસ્ટર યુનાઈટેડ સહયોગ
ભારતની એચસીએલ ટેક્નોલોજીઝે માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબને તેની સત્તાવાર એપ્લિકેશન બનાવી આપી છે. એચસીએલ કંપની માન્ચેસ્ટર યુનાઈટેડની સત્તાવાર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર છે. એપ્લિકેશન લોન્ચ થઈ એના અમુક જ દિવસોમાં તે દુનિયાભરની 68 માર્કેટ્સમાં એપ સ્ટોરની સ્પોર્ટ્સ કેટેગરીમાં ડાઉનલોડ ચાર્ટ્સમાં નંબર-1 બની ગઈ હતી. 123 માર્કેટ્સમાં સ્પોર્ટ્સ કેટેગરીમાં એ ટોપ-10માં છે.
માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે ICICI Bankનો કરાર
ભારતની બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેવાઓના ક્ષેત્રની કંપની ICICI Bank એ માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે અનેક વર્ષોને આવરી લેતો ભાગીદારી કરાર કર્યો છે. જે અંતર્ગત બેન્ક ઉક્ત ક્લબના સાડા ત્રણ કરોડ ભારતીય ફોલોઅર્સને અનેક રેન્જનાં કો-બ્રાન્ડેડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ ઈસ્યૂ કરે છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક ક્લબના ચાહકો માટે માન્ચેસ્ટર યુનાઈટેડ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ અને માન્ચેસ્ટર યુનાઈટેડ સિગ્નેચર ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહી છે. આ કાર્ડ ખરીદનારાઓને માન્ચેસ્ટર યુનાઈટેડ ઓનલાઈન સ્ટોર તથા ભારતાં અન્ય સંલગ્ન ભાગીદારો સાથે વ્યાપાર સોદાઓ પર ડિસ્કાઉન્ટ્સ તથા એક્સક્લુઝિવ લાભ મળે છે.
ફોર્મ્યુલા 1 સાથે ટાટા કમ્યુનિકેશન્સનો ગ્લોબલ ટેક્નોલોજી સહયોગ
ટાટા કમ્યુનિકેશન્સે ફોર્મ્યુલા વન મેનેજમેન્ટ સાથે અનેક વર્ષો માટેનો ટેક્નોલોજી સેવા તથા માર્કેટિંગનો એગ્રીમેન્ટ કર્યો છે.
આ એગ્રીમેન્ટ અંતર્ગત ટાટા કમ્યુનિકેશન્સ તેના ગ્લોબલ નેટવર્ક પર તમામ 20 ફોર્મ્યુલા 1 રેસ લોકેશન્સને વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
એપોલો ટાયર્સે માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે ગ્લોબલ સ્પોન્સરશિપ કરાર કર્યો
માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબ સાથે ત્રણ વર્ષનો પ્રાદેશિક સહયોગ કરાર પૂરો થયા બાદ એપોલો ટાયર્સે માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે ત્રણ વર્ષનો ગ્લોબલ સ્પોન્સરશિપ કરાર કર્યો છે. આ સોદા અંતર્ગત એપોલો ટાયર્સ હવે વિશ્વની આ અગ્રગણ્ય ક્લબ માટે સત્તાવાર ગ્લોબલ ટાયર પાર્ટનર છે.
એપોલો બ્રિટનમાં તેમજ ભારતમાં ફૂટબોલ-બેઝ્ડ પ્લે ઝોન્સ બનાવશે, એ માટે રીસાઈકલ કરેલા રબરનો ઉપયોગ કરશે.
એપોલો ટાયર્સ અને DVTK વચ્ચે કરાર
એપોલો ટાયર્સે હંગેરીની અગ્રગણ્ય સ્પોર્ટ્સ ક્લબ DVTK સાથે ત્રણ-વર્ષનો સ્પોન્સરશિપ કરાર કર્યો છે. આ ફૂટબોલ ક્લબની ટીમ હંગેરીયન લીગના ફર્સ્ટ ડિવિઝનમાં રમે છે. DVTK હંગેરીની સૌથી મોટી સ્પોર્ટ્સ ક્લબ છે. તેની પાસે બાસ્કેટબોલ, હોકી, વોલીબોલ, ટેબલ ટેનિસ, કુસ્તી, ચેસ અને ઈ-સ્પોર્ટ્સ સહિત અનેક રમતો માટેની ટીમ છે.
ઈન્ફોસિસ-એટીપી સહયોગ
ભારતની મલ્ટીનેશનલ કોર્પોરેશન ઈન્ફોસિસ વિશ્વમાં પુરુષોની ટેનિસ રમતનું સંચાલન કરતી સંસ્થા એટીપીને કન્સલ્ટિંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડશે. ઈન્ફોસિસ કંપની 2020ની સાલ સુધી ATP વર્લ્ડ ટુરની ગ્લોબલ ટેક્નોલોજી સર્વિસીસ પાર્ટનર તથા પ્લેટિનમ સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવશે.
ટેક મહિન્દ્રા-જેક્સનવિલ જેગ્વાર્સ વચ્ચે કરાર
ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ અને બિઝનેસ રી-એન્જિનિયરિંગ સર્વિસીસ-સોલ્યૂશન્સ ક્ષેત્રની અગ્રગણ્ય પ્રોવાઈડર ટેક મહિન્દ્રાએ અમેરિકાની જાણીતી ફૂટબોલ ટીમ જેક્સનવિલ જેગ્વાર્સ સાથે કરાર કર્યો છે. ટેક મહિન્દ્રા હવે જેક્સનવિલ જેગ્વાર્સની ટેક્નોલોજી અને એનાલિટીક્સ પાર્ટનર ઉપરાંત ડિજિટલ સ્ટ્રેટેજી પાર્ટનર છે.
હીરો મોટકોર્પ – હીરો વર્લ્ડ ચેલેન્જ
હીરો મોટોકોર્પ કંપનીએ વિશ્વમાં પ્રોફેશનલ ગોલ્ફ રમતનું સંચાલન કરતી સંસ્થા PGA ટુર સાથે ટાઈટલ સ્પોન્સરશિપ કરાર કર્યો છે. આ કરાર છેક 2014થી લાગુ છે. આ રમત માટે કોઈ પણ ભારતીય બ્રાન્ડે વિશ્વસ્તરે આ પહેલવહેલો મોટો કરાર કર્યો છે. ટાઈગર વૂડ્સ ફાઉન્ડેશન હીરો વર્લ્ડ ચેલેન્જ સ્પર્ધા યોજે છે.