ભારતે શ્રીલંકાને ત્રીજી T20 મેચમાં પણ હરાવી સિરીઝમાં 3-0 ક્લીન સ્વીપ કર્યું

મુંબઈ – રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ પાંચ-વિકેટથી હરાવીને 3-મેચોની સિરીઝ 3-0થી જીતીને સપાટો બોલાવી દીધો છે.

રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા શ્રીલંકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ તેની 20 ઓવરમાં 7 વિકેટે 135 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 139 રન કરીને મેચ જીતી લીધી હતી.

વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વિનિંગ શોટમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ધોની 16 અને દિનેશ કાર્તિક 18 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મનીષ પાંડેએ સૌથી વધારે, 32 રન કર્યા હતા, તો શ્રેયસ ઐયરે 30, કેપ્ટન શર્માએ 27, લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાએ 4-4 રન કર્યા હતા.

શ્રીલંકાના દુશ્મંથા ચમીરા અને દાસુન શનાકાએ વ્યક્તિગત બે વિકેટ ઝડપીને ભારતના બેટ્સમેનોને તકલીફ આપી હતી, પરંતુ અંતે ધોની અને કાર્તિકે 31 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમનું વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.

શ્રીલંકાના દાવમાં અસેલા ગુણરત્ને 36 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. દાસુન શનાકા (29*) અને અકીલા ધનંજય (11*)ની જોડી નોટઆઉટ રહી હતી. મધ્યમ ઝડપી બોલરો – જયદેવ ઉનડકટ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. નવોદિત ઓફ્ફ સ્પિનર વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

જયદેવ ઉનડકટને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ચેન્નાઈના ઓલરાઉન્ડર (ડાબોડી બેટ્સમેન અને ઓફ્ફ સ્પિનર) વોશિંગ્ટન સુંદરે આજની મેચમાં રમીને T20I ફોર્મેટમાં પ્રવેશ કર્યો હતો. એને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને હાલની પસંદગી સમિતિના એક સભ્ય સરનદીપ સિંહના હસ્તે T20I કેપ આપવામાં આવી હતી. એ સમયે ટીમના વડા કોચ રવિ શાસ્ત્રી પણ હાજર હતા. સુંદર T20I ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ભારતનો સૌથી યુવાન વયનો ક્રિકેટર બન્યો છે. તેની વય 18 વર્ષ અને 80 દિવસ છે. આ પહેલાં રિષભ પંત 19 વર્ષ અને 120 દિવસની વયે T20I ક્રિકેટમાં પ્રવેશ કરનાર ભારતનો સૌથી યુવાન ક્રિકેટર બન્યો હતો.