મુંબઈ – ગઈ 14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠને ષડયંત્ર કરીને આત્મઘાતી હુમલો કરાવી ભારતના 40 જવાનોનાં જાન લીધા હતા. શહીદ જવાનો પ્રતિ લાગણી વ્યક્ત કરવા અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતના ક્રિકેટરો ગઈ 8 માર્ચે રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં માથા પર મિલિટરી કેપ પહેરીને રમ્યા હતા.
એ ઘટના સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વાંધો ઉઠાવ્યો હતો અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને ફરિયાદ કરી હતી.
આઈસીસી સંસ્થાએ પીસીબીને જણાવ્યું છે કે ભારતીય ખેલાડીઓને મિલિટરી કેપ પહેરીને રમવાની અમે જ પરવાનગી આપી હતી.
ભારતીય ખેલાડીઓએ તેમની એ મેચની ફીની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં પણ આપીને શહીદ જવાનો પ્રતિ આદર વ્યક્ત કર્યો હતો અને શહીદોનાં પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
આઈસીસીના જનરલ મેનેજર (સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન્સ) ક્લેર ફર્લોન્ગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શહીદ જવાનોની યાદમાં એક ભંડોળ એકઠું કરવાની ઝુંબેશના ભાગરૂપે પોતના ખેલાડીઓને મિલિટરી કેપ્સ પહેરીને રમવા દેવાની આઈસીસી પાસે પરવાનગી માગી હતી, જે એમને મંજૂર કરવામાં આવી હતી.
પીસીબીએ આઈસીસીને કડક શબ્દોમાં પત્ર લખ્યો હતો અને મિલિટરી કેપ્સ પહેરીને રમવા બદલ ભારત સામે પગલું ભરવાની માગણી કરી હતી.
પીસીબીના ચેરમેન એહસાન મનીએ રવિવારે કરાચીમાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડે તો કોઈક અલગ હેતુ માટે પરવાનગી માગી હતી, પણ એનો ઉપયોગ કર્યો અલગ હેતુસર, જે સ્વીકાર્ય નથી.