હૈદરાબાદ- હૈદરાબાદ ટેસ્ટમાં બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 308 રન છે. ઋષભ પંત 85 અને રહાણે 75 રને દાવમાં છે. ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝના સ્કોર 311 રનથી હવે માત્ર 3 રન દૂર છે. રહાણે અને પંત વચ્ચે પાંચમી વિકેટ માટે 146 રનની અણનમ ભાગીદારી નોંધાઈ છે. ત્રીજા દિવસે બન્ને ખેલાડીઓ તેમની સદી પુરી કરવા પ્રયાસ કરશે.આ પહેલાં વેસ્ટઈન્ડિઝનો પ્રથમ દાવ 311 રને સમેટાયો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાની શરુઆત પણ સકારાત્મક રહી હતી. પ્રથમ સત્રમાં ભારતે એક વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હતા. જોકે બીજા સત્રમાં ભારતીય બેટ્સમેનોને પીચ પર ટકવા સંઘર્ષ કરવો પડ્યો હતો.
બીજા સત્રમાં વેસ્ટઈન્ડિઝના બોલર્સે યજમાન ટીમના ત્રણ ખેલાડીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. પ્રથમ સત્રમાં ભારતે લોકેશ રાહુલની વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ સતત વધુ એક મેચમાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે યુવા ખેલાડી પૃથ્વી શોએ 70 રન બનાવી પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા.
આ પહેલા વેસ્ટઈન્ડીઝની આખી ટીમ તેના પ્રથમ દાવમાં 311 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને 3 અને અશ્વિનને 1 વિકેટ મળી હતી. મહેમાન ટીમ તરફથી રોસ્ટન ચેસે 106 રન બનાવ્યા હતા.