ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 10-વિકેટથી હરાવી સીરિઝ 2-0થી જીતી

હૈદરાબાદ – ભારતીય ક્રિકેટ ટીમે અહીં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝ ઉપર બીજી અને સીરિઝની આખરી ટેસ્ટમાં 10-વિકેટથી વિજય મેળવીને બે-મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝે પહેલા દાવમાં 311 અને બીજા દાવમાં 127 રન કર્યા હતા. પહેલા દાવમાં 367 રન કરનાર ભારતને જીત માટે 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને એણે 16.1 ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 75 રન કરીને મેચ આસાનીથી જીતી લીધી હતી. પૃથ્વી શો અને લોકેશ રાહુલ બંને જણ 33-33 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ ફાસ્ટ બોલર ઉમેશ યાદવને આપવામાં આવ્યો છે જેણે સમગ્ર મેચમાં 10-વિકેટ મેળવી હતી. જ્યારે કારકિર્દીની પહેલી જ સીરિઝ રમનાર પૃથ્વી શોને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ભારતે રાજકોટમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 272 રનથી પરાજય આપ્યો હતો.

ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર આ પહેલી જ વાર ટેસ્ટમાં 10-વિકેટથી વિજય હાંસલ કર્યો છે.

હવે બંને ટીમ વચ્ચે પાંચ મેચોની વન-ડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે.

ભારતના બીજા દાવમાં, વિકેટકીપર રિષભ પંત વ્યક્તિગત 92 રને આઉટ થતાં 8 રન માટે સદી ચૂકી ગયો હતો. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે 80 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.