નાગપુર – અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાનો પહેલો દાવ 205 રનમાં સમેટાવી લેવામાં ભારતના બોલરોને સફળતા મળી છે. દિવસને અંતે ભારતે લોકેશ રાહુલની વિકેટ ગુમાવીને 11 રન કર્યા હતા. મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારા, બંને વ્યક્તિગત બે રન સાથે દાવમાં હતા.
બંને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટની સિરીઝની કોલકાતામાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચ રોમાંચક ક્ષણો બાદ ડ્રોમાં પરિણમી હતી.
આજે, શ્રીલંકાના કેપ્ટન દીપક ચાંડીમલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
શ્રીલંકાના દાવને 205 રનના સામાન્ય સ્કોરમાં પૂરો કરાવવામાં ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મુખ્ય ભૂમિકા ભજવી છે. એણે 67 રન આપીને સૌથી વધુ, 4 વિકેટ ઝડપી છે તો ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ અનુક્રમે 56 રન અને 37 રન આપીને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
શ્રીલંકાનો સ્કોર ટી-બ્રેક વખતે 4 વિકેટે 151 રન હતો, પણ એની બાકીની છ વિકેટ માત્ર 54 રનમાં પડી ગઈ હતી.
શ્રીલંકાના દાવમાં બે હાફ સેન્ચુરી થઈ છે. ઓપનર દીમુઠ કરુણારત્નેએ 51 રન અને કેપ્ટન દીપક ચાંડીમલ 57 રન કર્યા હતા. આ બે સિવાય બીજો કોઈ બેટ્સમેન 25 રનના આંકની બહાર જઈ શક્યો નહોતો.