વરસાદને કારણે ભારત-ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલ મેચ સસ્પેન્ડ; રિઝર્વ દિવસમાં પહોંચી

માન્ચેસ્ટર – અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઈનલ મેચ વરસાદને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગઈ વેળાની, 2015ની સ્પર્ધાની રનર્સ-અપ ટીમ ન્યૂઝીલેન્ડનો દાવ ચાલુ હતો અને સ્કોર 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રને પહોંચ્યો ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો અને ત્યારપછી મેચ રમાડી શકાઈ નહોતી. વરસાદનો અવરોધ ચાલુ રહેતાં આખરે અમ્પાયરોએ નિર્ણય લીધો હતો કે આજના દિવસની રમત સસ્પેન્ડ કરી દેવી અને તેને આવતીકાલે રિઝર્વ દિવસે આગળ રમાડવી. આમ, ન્યૂઝીલેન્ડ હવે તેની બાકીની 3.5 ઓવર અથવા 23 બોલ આવતીકાલે રમશે. મેચ આવતીકાલે ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

આમ, ભારતને આવતીકાલે વરસાદ નહીં પડે તો પૂરી 50 ઓવર રમવા મળશે. પરંતુ હવામાન વિભાગની એવી આગાહી છે કે આવતીકાલે પણ વરસાદ પડશે. ધારો કે આવતીકાલે પણ વરસાદ અવરોધ ઊભો કરશે તો ડકવર્થ એન્ડ લુઈસ (D/L) મેથડ અનુસાર ટીમ દીઠ ઓછામાં ઓછી 20-ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરાશે અને જો આવતીકાલે પણ વરસાદને કારણે મેચ રમાડીને પરિણામ લાવી નહીં શકાય તો ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વાલિફાય થઈ જશે, લીગ તબક્કામાં ટોપના સ્થાને ફિનિશ કર્યું હોવાને લીધે.

આજે, કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીત્યો હતો અને 1983 તથા 2011ની વિશ્વવિજેતા ટીમ ભારતને ફિલ્ડિંગ કરવા કહ્યું હતું. વરસાદે મેચ અટકાવી ત્યારે અનુભવી રોસ ટેલર 85 બોલમાં 67 રન (3 ચોગ્ગા, 1 છગ્ગા સાથે) અને ટોમ લેથમ 3 રન સાથે દાવમાં હતો.

કેન વિલિયમ્સન – 67 રન કરીને આઉટ

ન્યૂઝીલેન્ડે ગુમાવેલી પાંચ વિકેટ છેઃ માર્ટિન ગપ્ટીલ (1), હેન્રી નિકોલ્સ (28), કેપ્ટન કેન વિલિયમ્સન (67), જેમ્સ નિશમ (12), કોલીન ડી ગ્રેન્ડહોમ (16).

ભારતના પાંચેય બોલર – જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી છે.

આજની મેચ પૂર્વે, વર્તમાન સ્પર્ધામાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ તેની 8માંથી સાત મેચ જીતી હતી, માત્ર એકમાં જ હારી હતી – ઈંગ્લેન્ડ સામે. ન્યૂઝીલેન્ડ સામેની તેની લીગ મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.

જોકે વર્લ્ડ કપ પૂર્વેની વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમનો કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમ સામે પરાજય થયો હતો.

ભારતીય ટીમ સ્પર્ધાની શરૂઆતથી જ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ રહી છે.

વિલિયમ્સન અને તેના સાથીઓએ સ્પર્ધામાં ઘણો સરસ દેખાવ કર્યો છે અને સેમી ફાઈનલમાં સ્થાન માટે એ પાત્ર રહી છે. શરૂઆતમાં આ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર હતી, પણ બાદમાં અમુક મેચોમાં હારને કારણે એ ચોથા સ્થાને ધકેલાઈ ગઈ અને ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ.

ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પહોંચી મુખ્યત્વે એના ત્રણ ટોપ બેટ્સમેનોના ધરખમ બેટિંગ દેખાવના જોરે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ. આમાં, વાઈસ-કેપ્ટન શર્મા તો પાંચ સદી ફટકારીને વિશ્વવિક્રમ કરી ચૂક્યો છે. કોહલીએ પાંચ અડધી સદી ફટકારી છે તો રાહુલે એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

શર્માએ અત્યાર સુધીમાં 647 રન કર્યા છે અને તે સ્પર્ધામાં ટોપ સ્કોરર છે. કોહલીએ 447 રન કર્યા છે અને રાહુલ 360 રન કરી ચૂક્યો છે.

બંને પ્લેઈંગ ઈલેવન આ મુજબ છેઃ

ભારતઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટીલ, હેન્રી નિકોલ્સ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેથમ (વિકેટકીપર), જિમી નિશમ, કોલીન ડી ગ્રેન્ડહોમ, મિચેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યૂસન, મેટ હેન્રી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સેમી ફાઈનલ મેચ 9 જુલાઈ, મંગળવારે માન્ચેસ્ટરમાં વરસાદને કારણે પૂરી કરી શકાઈ નહીં. ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ખાતેની આ મેચને 10 જુલાઈ, બુધવારનના રિઝર્વ દિવસમાં લઈ જવાની આયોજકોને ફરજ પડી છે. વરસાદ પડ્યો ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન કર્યા હતા. રોસ ટેલર 85 બોલમાં 67 રન (3 ચોગ્ગા, 1 છગ્ગા સાથે) અને ટોમ લેથમ 3 રન સાથે દાવમાં હતો. ન્યૂઝીલેન્ડે ગુમાવેલી પાંચ વિકેટ છેઃ માર્ટિન ગપ્ટીલ (1), હેન્રી નિકોલ્સ (28), કેપ્ટન કેન વિલિયમ્સન (67), જેમ્સ નિશમ (12), કોલીન ડી ગ્રેન્ડહોમ (16). ભારતના પાંચેય બોલર – જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી છે. વિલિયમ્સને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
87 વર્ષનાં 'યુવાન' ચારુલતાબેન પટેલ પણ મેચ જોવા આવ્યાં છે. ગાલ પર તિરંગાનું ચિત્ર, તિરંગાનાં રંગોની પિપૂડી વગાડીને ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતાં હતાં.