ભારતનો 18-રનથી આંચકાજનક પરાજયઃ ન્યૂઝીલેન્ડ પહોંચ્યું વર્લ્ડ કપની ફાઈનલમાં

માન્ચેસ્ટર – અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે આજે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 પહેલી સેમી ફાઈનલ મેચમાં ટોપ ફેવરિટ્સ ભારતને 18-રનથી હરાવીને ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 240 રનના ટાર્ગેટને ચેઝ કરવા જતાં ભારતનો દાવ 49.3 ઓવરમાં 221 રનમાં પૂરો થયો હતો. ભારતની હારનું મુખ્ય કારણ એના ટોચના 3 બેટ્સમેનની આંચકાજનક રીતે સસ્તામાં પડી ગયેલી વિકેટો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ વ્યક્તિગત માત્ર 1-1 રન કરીને આઉટ થઈ ગયા હતા. રવિન્દ્ર જાડેજા (77) અને મહેન્દ્ર સિંહ ધોની (50)ની જોડીએ 7મી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરીને જીત માટે આશા જન્માવી હતી, પણ 208 રનના સ્કોર પર જાડેજા ઊંચો ફટકો મારવા જતાં આઉટ થતાં અને 216 રનના પર ધોની રનઆઉટ થતાં ભારતનું વહાણ ડૂબી ગયું હતું. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેન્રીએ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ જીત્યો છે. એણે વર્તમાન સ્પર્ધામાં પાંચ સદી ફટકારનાર રોહિત શર્મા અને લોકેશ રાહુલની વિકેટ લીધી હતી. ત્રીજી વિકેટ એણે દિનેશ કાર્તિકની લીધી હતી.

14 જુલાઈએ રમાનારી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા તથા ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે બર્મિંઘમમાં રમાનારી બીજી સેમી ફાઈનલની વિજેતા ટીમ સામે થશે. ઓસ્ટ્રેલિયા 2015ની વર્લ્ડ કપમાં વિજેતા બન્યું હતું અને એણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો.

આજની મેચમાં, કાર્તિક માત્ર 6 રન કરીને ચોથી વિકેટના રૂપમાં આઉટ થયા બાદ રિષભ પંત (32) અને હાર્દિક પંડ્યા (32)એ 47 રનની ભાગીદારી કરીને દાવમાં થોડાક પ્રાણ પૂર્યા હતા. આ જોડી તૂટ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ ધરખમ ભાગીદારી કરીને ભારત માટે જીતની આશા જન્માવી હતી. જાડેજાએ 39 બોલમાં 3 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી હાફ સેન્ચુરી પૂરી કરી.

ધોની અને જાડેજાની જોડી ધીમે ધીમે ટાર્ગેટની નજીક જઈ રહી હતી, પણ વધી ગયેલા રનરેટને નીચે લાવવા માટે ઊંચો ફટકા મારવાના પ્રયાસમાં જાડેજા તેની વિકેટ ગુમાવી બેઠો હતો.

ભારત આ સતત બીજી વર્લ્ડ કપમાં અને વિરાટ કોહલીના જ નેતૃત્ત્વમાં સેમી ફાઈનલમાં હારી ગઈ છે.

ન્યૂઝીલેન્ડ આ સતત બીજી વાર વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું છે. ગયા વખતની ફાઈનલમાં તેનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.

અગાઉ સવારે, આજે મેચના રિઝર્વ દિવસે ન્યૂઝીલેન્ડે તેનો અધૂરો દાવ આગળ ધપાવ્યો હતો અને તે 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 239 રનના સ્કોર પર પૂરો થયો હતો. આજે તેનો ધબડકો થયો હતો. સાત બોલમાં એની 3 વિકેટ પડી ગઈ હતી. 225 રનના સ્કોર પર રોસ ટેલર (74) રનઆઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ ડાયરેક્ટ થ્રો કરીને એને પેવિલિયનભેગો કર્યો હતો. તે ઓવર નાખી હતી જસપ્રિત બુમરાહે.

તે પછી ભૂવનેશ્વર કુમારની ઓવરમાં ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી હતી. ગઈ કાલના અન્ય નોટઆઉટ બેટ્સમેન વિકેટકીપર રોડ લેથમ (10)નો કેચ ડીપમાં બાઉન્ડરી લાઈન પર જાડેજાએ ઉત્કૃષ્ટ રીતે પકડ્યો હતો. મેટ હેન્રી માત્ર એક જ રન કરી શક્યો હતો. લોન્ગ-ઓન પર વિરાટ કોહલીએ કેચ પકડતાં ભૂવનેશ્વરને વિકેટ મળી, જે દાવમાં ત્રીજી હતી.

ગઈ કાલે વરસાદે મેચ અટકાવી ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર હતોઃ 211-5 (46.1). ન્યૂઝીલેન્ડની ટીમે તેની બાકીની 3.5 ઓવર રમવાનું આજે પૂરું કર્યું હતું.