આજથી ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી-ટેસ્ટઃ કોહલી તરફથી સેન્ચુરી-ઈનિંગ્ઝની આતુરતા

લીડ્સઃ અહીંના હેડિંગ્લી મેદાન પર આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. પાંચ-મેચોની સિરીઝમાં ભારત લોર્ડ્સ મેદાન પરની બીજી ટેસ્ટ 151-રનના ધરખમ માર્જિનથી મેચ જીતીને 1-0થી આગળ છે. પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.

ભારતીય ક્રિકેટરસિયાઓ ઈચ્છે છે કે વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ટીમ આ મેચ પણ જીતીને પોતાની સરસાઈને વધારી દે અને સિરીઝમાં અપરાજિત બની જાય. સાથોસાથ, પ્રશંસકો આતુર છે કેપ્ટન કોહલી તરફથી સદી જોવાને. કોહલી તરફથી છેલ્લે 2019ના નવેમ્બરમાં ટેસ્ટ સદી જોવા મળી હતી. કોહલી માટે સૌથી મોટો અવરોધ છે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન. તેની ઘાતક સ્વિંગ બોલિંગ સામે કોહલી અનેકવાર શિકાર બન્યો છે. પહેલી ટેસ્ટમાં એન્ડરસને કોહલીને આઉટ કર્યો હતો, પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં કોહલી તેનો સામનો કરવામાં સફળ રહ્યો હતો. બંને વચ્ચે મેદાન પર અમુક મુદ્દે બોલાચાલી પણ થઈ હતી.