ભારત વિ. બાંગ્લાદેશઃ કોહલી અને સાથીઓએ ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરી

ઈન્દોર – ભારત અને પ્રવાસી બાંગ્લાદેશ ટીમ વચ્ચે બે-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ આવતા ગુરુવારથી અહીંના હોલકર સ્ટેડિયમમાં શરૂ થવાની છે. આ મેચ બાદની બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે અને તે ગુલાબી રંગના બોલથી રમાશે. બંને ટીમ પહેલી જ વાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે.

ડે-નાઈટ ટેસ્ટ મેચ 22 નવેંબરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

એ મેચ માટે ભારતીય ટીમના ખેલાડીઓએ ગુલાબી રંગના બોલથી રમવાની પ્રેક્ટિસ આજથી જ શરૂ કરી દીધી છે.

આ ટેસ્ટ સિરીઝ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાશે.

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં હાલ ભારત 240 પોઈન્ટ સાથે મોખરે છે. સ્પર્ધામાં બાંગ્લાદેશ એની પહેલી જ મેચ રમશે.

ટીમ ઈન્ડિયાએ હાલમાં જ બાંગ્લાદેશને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો.

બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારત 7માં જીત્યું છે જ્યારે અન્ય બે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. ટેસ્ટ રેન્કિંગ્સમાં હાલ ભારત પહેલા અને બાંગ્લાદેશ 9મા નંબર પર છે.

આજે ભારતીય ટીમે ગુલાબી રંગના બોલથી પ્રેક્ટિસ કરી હતી. ટીમ માટે પ્રેક્ટિસના બે સત્ર રાખવામાં આવ્યા હતા. એક સત્ર સવારના સમયમાં અને બીજું રાતના સમયમાં રાખવામાં આવ્યું હતું.

 

અજિંક્ય રહાણેએ કહ્યું કે ગુલાબી રંગના બોલ સાથે રમવાનો અનુભવ રોમાંચક રહ્યો.

ભારતીય ખેલાડીઓને ગુલાબી બોલથી રમવાનો બહુ ઓછો અનુભવ હોવાથી જ ટીમ મેનેજમેન્ટે પ્રેક્ટિસ માટે બે સત્ર રાખ્યા હતા.

ગુલાબી રંગના બોલ સામે બેટિંગ કરવાનો પહેલો અનુભવ મેળવ્યો હતો કેપ્ટન વિરાટ કોહલીએ. એણે કહ્યું કે મને મિશ્ર અનુભવ થયો હતો. કેટલાક બોલને ફટકારવાનું હું ચૂકી ગયો હતો. તે છતાં એણે બે સરસ કવર ડ્રાઈવ ફટકારી હતી.

ચેતેશ્વર પૂજારા અને રહાણેએ પણ ગુલાબી બોલ સામે બેટિંગ કરી હતી. બંને જણ સાવધાનીપૂર્વક રમતા જોવા મળ્યા હતા. બંનેએ ઘણા બોલમાં ડીફેન્સિવ રમવાનું પસંદ કર્યું હતું.

પ્રેક્ટિસ માટેની પિચ પર બોલમાં ખાસ સ્વિંગ જોવા મળ્યો નહોતો અને બોલ બેટ પર આસાનીથી આવતો હતો.

એસજી કંપનીએ ગુલાબી બોલનો પહેલો જથ્થો બીસીસીઆઈને ગયા સપ્તાહાંતે મોકલી આપ્યો હતો.

અત્યાર સુધીમાં 11 ડે-નાઈટ ટેસ્ટ મેચો રમાઈ ચૂકી છે. એમાં માત્ર કૂકાબોરા અને ડ્યૂક્સ ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતમાં 2016-18ની મોસમ વચ્ચે દુલીપ ટ્રોફી સ્પર્ધામાં કૂકાબોરા નિર્મિત ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.