બેંગલુરુ – સ્પિન બોલિંગ જેનું મુખ્ય શસ્ત્ર છે એ અફઘાનિસ્તાનને આવતીકાલથી અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થનાર એકમાત્ર ટેસ્ટ મેચ ભારત જરાય હળવાશથી નહીં લે એવું ભારતીય ટીમના હંગામી કેપ્ટન અજિંક્ય રહાણેએ જણાવ્યું છે.
અફઘાનિસ્તાન આ પહેલી જ વાર ટેસ્ટ મેચ રમશે, પરંતુ એના બે સ્પિનર – રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સરસ દેખાવ કરીને અફઘાનિસ્તાનનું નામ ગાજતું કર્યું છે.
રાશિદ તો ટ્વેન્ટી-20 ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બોલર છે. જ્યારે 17 વર્ષના મુજીબે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની તાજેતરમાં રમાઈ ગયેલી 11મી મોસમમાં નોંધનીય દેખાવ કર્યો હતો.
રહાણેએ મેચની પૂર્વસંધ્યાએ આજે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનને હળવાશથી લેવાના નથી. એ સારી ટીમ છે… એના બોલરો સરસ ફોર્મમાં છે. ટેસ્ટ ટીમ તરીકે અમે કોઈને પણ હળવાશથી લઈ ન શકીએ. ક્રિકેટની રમત તો ફની ગેમ છે. અમે એમની સામે પૂરી તાકાતથી રમીશું. અમે અમારા હરીફોનો આદર કરીએ છીએ, પરંતુ અમે અમારો 100 ટકા દેખાવ કરીએ એ પણ અમારા માટે મહત્વનું છે.
અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન અસગર સ્ટેનિક્ઝાઈએ ગઈ કાલે કહ્યું હતું કે એની ટીમ પાસે જે સ્પિનરો છે એ ભારતના રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ કરતાં ચડિયાતા છે.
વિરાટ કોહલી ઈજાને કારણે ટીમમાંથી બહાર હોવાને કારણે એની જગ્યાએ રહાણેને એકમાત્ર ટેસ્ટ મેચ માટે કેપ્ટન બનાવાયો છે. જોકે રહાણેને ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી મર્યાદિત ઓવરોવાળી સિરીઝ માટેની ભારતીય ટીમમાંથી બાકાત રખાયો છે.
બંને ટીમ નીચે મુજબ છેઃ
ભારતઃ શિખર ધવન, કે.એલ. રાહુલ, મુરલી વિજય/કરુણ નાયર, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા/કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા.
અફઘાનિસ્તાનઃ જાવેદ એહમદી/ઈશાનુલ્લાહ, મોહમ્મદ શાહઝાદ, રેહમત શાહ, અસગર સ્ટેનિક્ઝાઈ (કેપ્ટન), નસીર જમાલ, મોહમ્મદ નબી, અફસર સઝાઈ (વિકેટકીપર), યામીન એહમદઝાઈ, સયદ શિરઝાદ/વફાદાર, ઝહીર ખાન/મુજીબ ઉર રહેમાન/અમીર હમઝા.