ભારતના પુરુષો થોમસ કપ વિજેતા; મોદીના અભિનંદન

બેંગકોકઃ ભારતના પુરુષ ખેલાડીઓએ બેડમિન્ટનની રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. એમણે આજે અહીં ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને પહેલી જ વાર થોમસ કપ ટ્રોફી જીતી છે. ભારતના ખેલાડીઓએ 14-વખત ચેમ્પિયન બનનાર ઈન્ડોનેશિયાને આજે પરાસ્ત કર્યું.

પહેલી સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેને વિશ્વના નંબર-5 એન્થની સિનીસુકા ગિન્ટીંગને 8-21, 21-17, 21-16 સ્કોરથી હરાવ્યો હતો. ત્યારબાદ બીજી સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલવિજેતા જોનાતન ક્રિસ્ટીને 21-15, 23-21 સ્કોરથી હરાવ્યો હતો.

ત્રીજા મુકાબલામાં, જે ડબલ્સની મેચ હતી તેમાં, સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બીજી ગેમમાં ચાર મેચ પોઈન્ટ બચાવીને મોહમ્મદ એહસાન અને કેવીન સંજયા સુકામુલજોને 18-21, 23-21, 21-19 સ્કોરથી પરાજય આપ્યો હતો.

ભારતીય ખેલાડીઓના આ ઐતિહાસિક દેખાવને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવ્યો છે અને ટ્વીટમાં લખ્યું છે કે, ‘ભારતીય ટીમે ઈતિહાસ સર્જ્યો છે. આ જીતથી ઘણા આશાસ્પદ ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. ભારતે થોમસ કપ જીત્યો છે એનાથી આખો દેશ આનંદમાં છે. આપણી યશસ્વી ટીમને અભિનંદન અને એમના ભાવિ પ્રયાસો માટે એમને શુભેચ્છા.’