સિડનીઃ અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાને સતત બીજી મેચમાં રમતના તમામ વિભાગોમાં પરાસ્ત કરીને ઓસ્ટ્રેલિયાએ 3-મેચોની વન-ડે સિરીઝ પોતાના કબજામાં કરી લીધી છે. આરોન ફિન્ચની ગૃહ ટીમે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમને આજે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 51-રની પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી મેચ ગયા શુક્રવારે 66-રનથી જીતી હતી. હવે ત્રીજી અને આખરી વન-ડે મેચ 2 ડિસેમ્બરે કેનબેરામાં રમાશે.
આજની મેચમાં પણ ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી મેચની જેમ જ ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ જબ્બર ફટકાબાજી કરીને ભારતની બોલિંગના બુરા હાલ કરી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટે 389 રન કર્યા બાદ તેના બોલરોએ ભારતનો દાવ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન સુધી સીમિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના બેટ્સમેનો બંને મેચમાં સાવ ઘૂંટણિયે પડી ગયા નહોતા અને જોરદાર રીતે લડત આપી હતી. બોલરોના નબળા દેખાવને કારણે આ પરાજય સહન કરવાનો આવ્યો છે. સ્ટીવન સ્મીથે આજની મેચમાં પણ સદી ફટકારી હતી. એણે આજે 64 બોલમાં 14 ચોગ્ગા, બે છગ્ગા સાથે 104 રન કર્યા હતા. ડેવિડ વોર્નર (83) અને કેપ્ટન ફિન્ચ (60)ની જોડીએ પહેલી વિકેટ માટે 142 રન કર્યા હતા. માર્નસ લેબુશેને 61 બોલમાં 70 રન તો ગ્લેન મેક્સવેલે માત્ર 29 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 63 રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.
ભારતના દાવમાં, કેપ્ટન વિરાટ કોહલીએ પ્રતિકારની આગેવાની લીધી હતી, પણ 89 રનના સ્કોર પર આઉટ થયો હતો. શિખર ધવન 30, મયંક અગ્રવાલ 28 અને શ્રેયસ ઐયર 38 રન કરીને આઉટ થયા બાદ કોહલી અને વિકેટકીપર કે.એલ. રાહુલ (76)એ દાવને આગળ વધાર્યો હતો. આ જોડી દાવમાં હતી ત્યાં સુધી ભારતને જીતની આશા હતી, પણ કોહલીની વિકેટ પડ્યા બાદ રાહુલ, રવીન્દ્ર જાડેજા 11 બોલમાં 24, હાર્દિક પંડ્યા 31 બોલમાં 28 આઉટ થતાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ફાસ્ટ બોલર પેટ કમિન્સ 67 રનમાં 3 વિકેટ સાથે ગૃહ ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. સ્ટીવન સ્મીથને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. પહેલી મેચમાં જ પણ સ્મીથ આ એવોર્ડ જીત્યો હતો.
