ચેન્નાઈઃ અહીંના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાએ કમર કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ અગ્રેસર છે. આજે બીજા દિવસની રમતને અંતે ભારતે બીજો દાવ શરૂ કરી દીધો હતો અને શુભમન ગિલ (14)ની વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાની જોડી દાવમાં હતી. ઈંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર 134 રનમાં પૂરો કરી દઈને ભારતે તેની પર 195 રનની લીડ મેળવી છે. હવે ભારતના બેટ્સમેનો બીજા દાવમાં તોતિંગ જુમલો ઊભો કરીને ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે લગભગ અશક્ય બને એવો ટાર્ગેટ આપવાનું પસંદ કરશે.
ભારત ઈંગ્લેન્ડ પર 195 રનની લીડ મેળવી શક્યું એનો મુખ્ય શ્રેય જાય છે ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને, જેણે 23.5 ઓવર ફેંકીને 43 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ડાબોડી સ્પિનર અક્ષર પટેલે કેપ્ટન જો રૂટ (6) અને મોઈન અલી (6)ને આઉટ કર્યા હતા. બાકીની 3 વિકેટ ફાસ્ટ બોલરોએ લીધી હતી – ઈશાંત શર્માએ બે અને મોહમ્મદ સિરાજે એક. અશ્વિને આજે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 200 ડાબોડી બેટ્સમેનોને આઉટ કરનાર એ પહેલો બોલર બન્યો છે. ઈંગ્લેન્ડની ટીમના ધરખમ બેટિંગ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને તેણે આજે પણ આઉટ કર્યો. આ બેટ્સમેન 9મી વખત અશ્વિનની બોલિંગમાં આઉટ થયો. અશ્વિને ડેવિડ વોર્નરને 10 વખત, એલેસ્ટર કુક અને બેન સ્ટોક્સને 9-9 વખત આઉટ કર્યો છે. ટેસ્ટમેચના એક દાવમાં પાંચ-વિકેટ 29 વખત લેવાની સિદ્ધિ હાંસલ કરીને અશ્વિન હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાની બરોબરી પર આવી ગયો છે. ઘરઆંગણે 45-ટેસ્ટમેચોમાં 23 વખત પાંચ-વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરીને તેણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાછળ રાખી દીધો છે.
