બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર

ચેન્નાઈઃ ઈંગ્લેન્ડની ટીમ 13 ફેબ્રુઆરીથી અહીંના ચેપોક મેદાન પર ભારત સામે બીજી ટેસ્ટ મેચ રમશે. આ જ મેદાન પર રમાઈ ગયેલી પહેલી ટેસ્ટમેચ તેણે 227-રનથી જીતી લીધી હતી અને ચાર-મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડના કેપ્ટને ચાર ફેરફારો કર્યા છે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડની જીતના આધાર રહેલા બે બોલર – ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને ડાબોડી સ્પિનર ડોમિનીક બેસ ઉપરાંત ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર બીજી મેચમાં નહીં રમે. એમની જગ્યાએ વિકેટકીપર બેન ફોક્સ, ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ, મધ્ય ઝડપી બોલર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ અને જમોડી સ્પિનર ઓલરાઉન્ડર મોઈન અલીને પસંદ કરવામાં આવ્યા છે. બટલર આખી સિરીઝમાં રમી શકવાનો નથી.

આ છે ઈંગ્લેન્ડના આખરી 12 ખેલાડીઓઃ ડોમ સિબ્લે, રોરી બર્ન્સ, ડાન લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, જેક લીચ અને ઓલી સ્ટોન.