અમદાવાદઃ ભારતે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ આજે બીજા દિવસે 10-વિકેટથી જીતી લઈને ચાર-મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી છે. ચોથી અને આખરી ટેસ્ટ મેચ આ જ મેદાન પર ચોથી માર્ચથી રમાશે.
ભારતનો પહેલો દાવ આજે 145 રનમાં પૂરો થયો હતો. 33-રનની ખાધ સાથે ઈંગ્લેન્ડે બીજો દાવ શરૂ કર્યો હતો, પણ ડાબોડી સ્પિનર અક્ષર પટેલે પહેલા દાવની જેમ તરખાટ મચાવવાનું ચાલુ રાખતાં ઈંગ્લેન્ડનો દાવ માત્ર 30.4 ઓવરમાં 81 રનમાં પૂરો થઈ ગયો હતો. ભારતને મેચ જીતવા માટે 49 રન કરવાના આવ્યા હતા અને રોહિત શર્મા (25*), શુભમન ગિલ (15*)ની જોડીએ માત્ર 7.4 ઓવરમાં જ બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડના પહેલા દાવમાં 6-વિકેટ લેનાર અક્ષર પટેલે બીજા દાવમાં 32 રનમાં પાંચ વિકેટ લીધી હતી. અશ્વિને 48 રનમાં 4 અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી. માત્ર બે દિવસમાં જ ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ હોય એવો ક્રિકેટ ઈતિહાસમાં આ માત્ર 22મો પ્રસંગ છે.