અશ્વિનની પરાક્રમી-સદી: ભારતને જીત માટે 7-વિકેટની જરૂર

ચેન્નાઈઃ રવિચંદ્રન અશ્વિન બેટિંગમાં 106 રન. રવિચંદ્રન અશ્વિન બોલિંગમાં 43 રનમાં પાંચ વિકેટ. ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર અશ્વિન ચેન્નાઈના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાતી બીજી ટેસ્ટમાં સંપૂર્ણપણે છવાઈ ગયો છે અને ભારતને શાનદાર જીતની સ્થિતિમાં મૂકી દીધું છે. મેચ જીતવા માટે ઈંગ્લેન્ડ સામે ભારતે 482 રનનો ટાર્ગેટ મૂક્યો છે. આજે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 53 રન થયા હતા. ચાર-મેચોની સિરીઝમાં ભારત હાલ 0-1થી પાછળ છે, પણ આ મેચ જીતીને સિરીઝને 1-1થી બરાબર કરવાનો અશ્વિને માર્ગ મોકળો કરી આપ્યો છે.

અશ્વિને ભારતના બીજા દાવમાં 8મા નંબરે આવીને યાદગાર સદી ફટકારી હતી. એણે 148 બોલનો સામનો કર્યો હતો અને 14 બાઉન્ડરી અને એક સિક્સર ફટકારી હતી. એક સમયે ભારતે માત્ર 106 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પણ કેપ્ટન વિરાટ કોહલી (62) સાથે મળીને અશ્વિને 7મી વિકેટ માટે 96 રનની કિંમતી ભાગીદારી કરી હતી. ટેસ્ટ કારકિર્દીમાં અશ્વિનની આ પાંચમી સદી છે. કોઈ એક ટેસ્ટ મેચના દાવમાં બોલિંગમાં પાંચ વિકેટ અને બેટિંગમાં સેન્ચુરીની સિદ્ધિ અશ્વિને આ ત્રીજી વખત હાંસલ કરી છે અને તે દુનિયામાં બીજા નંબરે છે. પહેલા નંબરે ઈંગ્લેન્ડનો ઈયાન બોથમ છે (પાંચ વાર). ગેરી સોબર્સ, મુશ્તાક મોહમ્મદ, જેક કેલીસ અને શાકીબ-અલ-હસને બે-બે વખત આવી સિદ્ધિ હાંસલ કરી હતી. ચેપોક મેદાન પર સદી કરનાર અશ્વિન તામિલનાડુનો માત્ર બીજો જ બેટ્સમેન છે. 1986-87માં ક્રિસ શ્રીકાંતે પાકિસ્તાન સામેની ટેસ્ટમાં સદી ફટકારી હતી.

સ્કોરઃ ભારત 329 અને 286 (વિરાટ કોહલી 62, રવિચંદ્રન અશ્વિન 106, મોઈન અલી 4/98, જેક લીચ 4/100).

ઈંગ્લેન્ડઃ 135 અને 53-3 (બર્ન્સ 25, લોરેન્સ 19*, અક્ષર પટેલ 2/15, અશ્વિન 1/28.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]