બીજી વન-ડેમાં ભારતનો 6-વિકેટથી વિજય; કોહલી અને ‘ફિનિશર’ ધોની ઝળક્યા

એડીલેડ – ઓસ્ટ્રેલિયાને આજે અહીં એડીલેડ ઓવલ મેદાન પર બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 6-વિકેટથી હરાવીને ભારતીય ટીમે 3-મેચોની સીરિઝને જીવંત રાખી છે. બંને ટીમ હવે એક-એક મેચ જીતી ચૂકી છે અને 18 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાનાર ત્રીજી મેચ સીરિઝનો ફેંસલો કરશે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે આજે પણ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ તેના ભાગની 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 298 રન કર્યા હતા.

એના જવાબમાં ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી (104) અને વિકેટકીપર, ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 55 રનના મદદથી 49.2 ઓવરમાં 4 વિકેટના ભોગે 299 રન કરીને મેચ જીતી લીધી હતી.

ધોની ફરી ફિનિશરની અદામાં જોવા મળ્યો હતો. ભારતને છેલ્લી ઓવરમાં 6 બોલમાં જીત માટે 7 રનની જરૂર હતી. ધોનીએ પહેલા જ બોલમાં સિક્સર ફટકારી હતી અને સ્કોર સમાન કરી દીધો હતો. બીજા બોલમાં વિજયી રન દોડીને મેચ સમાપ્ત કરી દીધી હતી.

218મી મેચ રમતાં કોહલીએ આજે તેની કારકિર્દીમાં 39મી સદી ફટકારી હતી. એણે 108 બોલમાં 100 રન પૂરા કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

રોહિત શર્મા (43) અને શિખર ધવન (32)ની ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 47 રન કર્યા હતા. ધવન આઉટ થયા બાદ રોહિત શર્માની વિકેટ 101 રનના સ્કોર પર પડી હતી. કોહલી અને અંબાતી રાયડુ (24)ની જોડીએ સ્કોરને 160 પર પહોંચાડ્યો ત્યારે રાયડુ આઉટ થયો હતો.

અહીંથી કોહલી અને ધોનીએ ભારતનો દાવ સંભાળ્યો હતો અને ચોથી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી, જે ભારતની ટીમને જીતની નજીક લઈ ગઈ હતી.

શોન માર્શ

અગાઉ, ઓસ્ટ્રેલિયાને 298 રનના સ્કોર સુધી પહોંચાડવા માટે શોન માર્શે 131 રન સાથે મુખ્ય યોગદાન આપ્યું હતું. ગ્લેન મેક્સવેલ 48 રન કરીને આઉટ થયો હતો. વિકેટકીપર-ઓપનર એલેક્ટ કેરેએ 18, કેપ્ટન ફિન્ચે 6, ઉસ્માન ખ્વાજાએ 21, પીટર હેન્ડ્સકોમ્બે 20, માર્કસ સ્ટોઈનીસે 29, ઝે રિચર્ડસને 2, નેથન લિયોને અણનમ 12 રન કર્યા હતા. 10 વર્ષ પછી ફરી ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાયેલો ફાસ્ટ બોલર પીટર સીડલ પહેલા જ બોલે આઉટ થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]